Return   Facebook   Zip File

Obligatory

General

આઘ્યાત્મિક વિકાસ

હે મારા ઈશ્વર, મારી ભકિતના આઘાર, મારા રાજા, મારી અભિલાષા ! તારો આભાર માની શકે એવી જિહ્વવા જ મારી પાસે કયા છે ! હું તો બેભાન હતો તેં મને જગાડયો. મેં તો તારા ભણી પીઠ વાળી દીઘી હતી; તેં જ દયા કરીને તારા તરફ જોવામાં મને મદદ કરી. હું તો મરેલા જેવો જ હતો; તેં જ જીવન જળ પાઈને મારામાં પ્રાણ પૂર્યાં. હુ તો કરમાઈ ગયો હતો; તેં જ તારા પૂર્ણ કરૂણામય સ્વરૂપની કલમેથી પ્રગટેલાં તારાં સુવચનોના સ્વર્ગીય પ્રવાહથી મને નવપલ્લવિત કર્યો.

હે દૈવી વિઘાતા! સમગ્ર અસ્તિત્વ તારા જ ઔદાર્યની દેન છે. તારી ઉદારતાના જળથી એને વંચિત ન કર.

તારા દયાસિંઘુથી એને દૂર ન રાખ. હું તને હંમેશા, કોઈપણ સ્થિતીમાં મારો મદદગાર અને સહાયક બનવા વિનવું છું. તારી કૃપાના સ્વર્ગમાંથી મળે એવા તારા પુરાણપ્રસિદ્વ અનુગ્રહોની ભીખ માગું છું. ખરેખર, તું ઔદાર્યનો સ્વામી અને શાશ્વતીના સામ્રજયનો સાર્વભૌમ શાસક છે.

#11021
- Bahá'u'lláh

 

હે પરમેશ્વર, તારો જયજયકાર કરૂં ! તારા જ બનાવેલા કેટલાક જીવો તારા સત્યનો ઈન્કાર કરે છે. એમણે વરસાવેલી આકરી યાતનાઓ અને અવર્ણનીય દુઃખોનો ભોગ બનેલા તારા મહાનતમ નામના તને સોગંદ આપીને કહું છું કે તું મારા પર એવી કૃપા કર કે જેથી હું હમેશાં તારું સ્મરણ અને સ્તુતિગાન કરું. આજે જયારે બઘાં તારા સૌદર્યથી વિમુખ થયા છે અને તારા વિશે શંકાઓ દર્શાવે છે, તારા મહાન ઘર્મ સંસ્થાપક તરફ તિરસ્કારપુર્વક પીઠ કરી છે ત્યારે પણ હું તારા જ ગુણ ગાતો રહું. હે મારા નાથ, તને સહાય કરી શકે એવું તારા સિવાય બીજું કોઈ નથી; તારા સામર્થ્યની તુલનામાં આવે એવું તારા પોતાના સામર્થ્ય સિવાય બીજું કંઈ નથી.

હું તારા પ્રેમમાં મગ્ન રહું, તારૂં સ્મરણ દ્રઢ બનીને કરતો રહું તેટલું બળ મને આપ. ખરેખર, એ હું કરી શકું તેમ છું અને મારી અંદર જે કંઈ છે તે બઘુ જાણનારો તું જ છે. ખરેખર, તું બઘુ જાણે છે, બઘાથી વાફેક છે. હે પ્રભુ તારા મુખચંદ્રની આભાથી મને વંચિત ન કર. એના થકી જ સમગ્ર વિશ્વ પ્રકાશે છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સર્વશ્રેષ્ઠ શકિતશાળી, સર્વદા કરૂણાવાન અને સર્વથા ક્ષમાવાન છે.

#11022
- Bahá'u'lláh

 

હે તાત, તારી નિકટતામાં રહેવાના મારા ઓરતા છે. તારા સાક્ષત્કારની મને આશા છે. તારૂં નામ જપતા રહેવાની મારી ઈચ્છા છે. તારા મહિમામય દરબારમાં પહોચવાનો મારો ઉદે્શ છે. તારૂં ઘામ મારૂં લક્ષ્યસ્થાન છે. તારૂં નામ મારું આરોગ્ય છે. તારો પ્રેમ મારા હૈયાને અજવાળે છે. મારી મહેચ્છા એક જ છે, તારી સેવા કરૂં! હે કૃપાસાગર, જે ભકતોએ તારૂં નામ લીઘું તેમને તેં જ્ઞાનનાં ઊંચામાં ઊંચા શિખરોને આંબવામાં મદદ કરી અને તારા પવિત્ર અનુગ્રહોના દરબારમાં શ્રદ્વાપૂર્વક તારી પૂજા કરવા દીઘી, એજ નામ હું ઉચ્ચારું છું. મને પણ મદદ કર અને મને તારું મુખારવિંદ જોવા દે, તારી આંખમાં મારી આંખ મિલાવવા દે, તારા ગુણ ગાવા દે.

હે નાથ, હું તો તારા સિવાય બઘું ભૂલી ગયો છું તારી કૃપાના પાવન ઝરણા તરફ મેં ડગ માંડયાં છે.

તારા દરબારમાં પહોચવાની આશાએ તારા સિવાયનું સઘળું છોડી ચૂકયો છું. તો હે દીનબંઘુ, મારી આંખો તારા મુખમંડળના ઓજસથી દીપી ઊઠેલા તારા સિંહાસન પર મંડાયેલી હોય ત્યારે મને ગ્રહણ કરી લે. હે મારા વલ્લભ, પછી, દ્રોહીઓ મને તારા તરફ જતાં રોકી ન શકે તે માટે તારા દ્વારા પ્રબોઘિત ઘર્મમાં અચળ રહી શકું એવી શકિતનું મારા ઉપર વર્ષણ કર. તુંજ ખરેખર સર્વસામર્થવાન, સંકટવિમોચન, કીર્તિવંત અને સર્વશકિતમાન પરમાત્મા છે.

#11023
- Bahá'u'lláh

 

હે પરમ કૃપાળુ, તારું મુખારવિંદ મારી ભકિતનું લક્ષ્ય છે, તારૂં સૌદર્ય મારૂં અભયસ્થાન છે તારું મંગળવિઘાન મારૂં ઘ્યેય છે, તારી સ્તુતિ મારી આશા છે, તારા યમનિયમ મારા સાથી છે, તારો પ્રેમ એ મારા અસિ્તત્વનું કારણ છે, તારા નામનો ઉચ્ચાર મારૂં આશ્વાસન છે, તારૂં સાનિ્નઘ્ય મારી ઈચ્છા છે, તારી ઉપસ્થિત મારી પ્રિયતમ આકાંક્ષા અને સર્વોત્કૃષ્ટ મહત્વાકાંક્ષા છે. હું તને વીનવું છું, હે નાથ, તારા પસંદ કરેલા દાસો માટે તેં જે નકકી કર્યું છે તેનાથી મને વંચિત ન કર. મને આ લોક અને પરલોકમાં જે શ્રેષ્ઠતમ છે તે પ્રદાન કર.

તું ખરેખર જ, સર્વ મનુષ્યનો રાજા છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સદા ક્ષમાવાન અને અતિ ઉદાર છે.

#11024
- Bahá'u'lláh

 

હે મારા સ્વામી, તારા સૌદર્યને મારો આહાર બનાવ, તારી ઉપસ્થિતિને મારું જીવનજળ બનાવ.

તારાં આનંદને મારી આશા, તારા સ્મરણને મારો સાથી, તારા સાર્વભૌમ સામર્થયને મારો સહાયક બનાવ. હે નાથ, તારા ઘામને મારૂં ઘર બનાવી દે, મારા ઘરને તારૂં એવું આસન બનાવી દે કે જેને તેં તારાથી એક પડદા દ્વારા દૂર રહેતા હોય એમના ઉપર નિષેઘો લગાડીને પવિત્ર બનાવ્યું હોય.

તું ખરેખર સર્વશકિતમાન, પૂર્ણ ગરિમામય અને પૂર્ણ સામર્થવાન છે.

#11025
- Bahá'u'lláh

 

હે ઈશ્વર, મારા નાથ, મારા પ્રાણપ્રિય, મારા હૃદયની અભિલાષા.

#11018
- The Báb

 

શું પરમાત્મા સિવાય સંકટોને દૂર કરનાર અન્ય કોઈ છે ? કહી દોઃ એક માત્ર પરમાત્મા જ સ્તુત્ય છે! તે જ છે પરમાત્મા! સર્વ તેનાં સેવકો છે, અને તેની જ આજ્ઞાના બંઘનમાં છે!

#11019
- The Báb

 

બોલો ઈશ્વર સચરાચરમાં છે. સ્વર્ગમાં કે પુથ્વીમાં એવો એક પણ કણ નથી કે જેમાં ભગવાનનો વાસ ન હોય ખરેખર એ પોતે જ જ્ઞાતા, પાલક અને સર્વશકિતમાન છે.

#11020
- The Báb

 

હે ભગવાન,મારા આત્માને નવસ્ફૂર્તિ અને હષર્લ્લાસથી ભરી દે. મારા અંતઃકરણને શુદ્ધ કરી દે. મારા મનને આલોકિત કરી દે. હું મારા સઘળાં કાર્યો તારા જ કરકમળોમાં સુપ્રત કરુ છું તું મારો પથદર્શક છે, મારો આશ્રય છે. હવેથી હું દુઃખી અને ઉદાસ નહિ રહું, હું સુખી અને આનંદિત રહીશ. હે પ્રભુ! હું હવે થી ચિંતામગ્ન નહિં રહું, કષ્ટોથી મુજાઈ નહિ જાઉં, હું જીવનની અપિ્રય વાતો પર મારું મન લગાવીશ નહિ . હે પરમાત્માં! તું મારા પોતાના કરતાં પણ વઘારે મારો મિત્ર છે. હે નાથ, હું મારી જાત તને સમર્પણ કરું છું.

#11056
- `Abdu'l-Bahá

 

હે નાથ! અમે નિર્બળ, છીએ અમને બળ આપ. હે પ્રભુ! અમે અજ્ઞાની છીએ; અમને જ્ઞાન આપ. હે સ્વામી અમે દરિદ્ર છીએ; અમને શ્રીમંત બનાવ. હે ઈશ્વર, અમે નિષ્પાણ છીએ; અમને ચેતના આપ. હે જગનિ્નયતા! અમે સ્વયં હીનતાની મૂર્તિ છીએ; અમને તારા સામ્રરાજયમાં ગૌરવ આપ. હે જગન્નાથ! તું સહાય કરીશ તો અમે પણ તેજસ્વી તારા બનીશું તું સહાય નહિ કરે તો અમે રસાતાળે જઈશુ. હે સ્વામી! અમને બળવાન બનાવ. હે પરમેશ્વર! અમને વિજય અપાવ. હે પરમાત્મા! અમને અમારા અહંને જીતવા અને અમારી વાસનાઓને વશમાં રાખવામાં સહાય કર. હે તાત! અમને ભૌતિક દુનિયાનાં બંઘનોમાંથી મુકિત અપાવ. હે નાથ! અમે તારી સેવા માટે કટિબદ્ધ થઈએ, તારી ભકિતમાં લીન થઈએ, અંતઃકરણપૂવક તારા સામ્રરાજયમાં પહોંચવાના પ્રયાસ કરીએ, તે માટે તારા પવિત્ર પ્રાણનો સંચાર કરીને અમને ચેતના આપ. હે સ્વામી! તું સમર્થ છે. હે ઈશ્વર! તું ક્ષમાવાન છે. હે નાથ! તું કરુણાનો સાગર છે.

#11057
- `Abdu'l-Bahá

 

એકતા

હે પ્રભુ, માનવજાત પ્રત્યેના તારા પ્રેમની અભિવ્યકિત માટે તારો જયનાદ થાઓ! હે ઈશ્વર, તું અમારા માટે તારો જયનાથ થાઓ! હે ઈશ્વર, તું અમારા માટે જીવન અને પ્રકાશ છે. તારા સેવકોને તારા પ્રેમાળ પંથે દોરી જા અને સમુદ્વ બનાવ. તારા સિવાયના બીજા બઘાં જ બંઘનોમાંથી અમને મુકિત આપાવ.

હે ઈશ્વર, અમને તારા અદ્વૈતનો ઉપદેશ આપ અને અમને તારા એકત્વની ઝાંખી કરાવ કે જેથી અમે તારા સિવય બીજું કશું જોઈ ન શકીએ. તું દયાળુ અને વરદાતા છે!

હે ભગવાન, તારા પ્રેમીઓનાં હૃદયોમાં પ્રેમની જવાળાઓ પ્રગટાવ કે જેથી એમાં તારા સિવાયનું બાકી બીજું બઘું ભસ્મીભૂત થઈ જાય.

હે પ્રભુ, અમને તારી અનર્ગળ અનંતતાને સાક્ષાત્કાર કરાવ. તું હંમેશા અનંત રહૃયો છે અને રહેશે. અમને પ્રતિતિ કરાવ કે તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. સાચે જ, માત્ર તારામાંથી અમને શાતા અને બળ પ્રાપ્ત થશે.

#11026
- Bahá'u'lláh

 

હે મારા પરમેશ્વર! હે મારા પરમાત્મા! તારા સેવકોના હૃદયો એક કર અને એમની સમક્ષ તારો મહાન ઉદે્શ પ્રગટ કર. તેઓ તારા આદેશો માને અને તારા કાયદાઓનું પાલન કરે, હે ભગવાન એમનાં પુરુષાર્થમાં સહાયક બન, તારી સેવા કરવાની એમને શકિત આપ. હે પ્રભુ, એમને એકલા ન છોડી દે, પણ તારા જ્ઞાનના પ્રકાશથી એમનાં ચરણોને માર્ગ દેખાડ અને તારા પ્રેમથી એમનાં હૃદયોને હર્ષિત કર. તું જ ખરેખર એમનો સહાયક અને સ્વામી છે.

#11027
- Bahá'u'lláh

 

હે કૃપાળુ સ્વામી! તું ઉદાર અને દયાવાન છે; અમે તારા ઊંબરાના દાસ છીએ. અમે તારી દયાના રક્ષણની છત્રછાયામાં છીએ. તારા વિઘાનનો સૂર્ય સૌ ઉપર પ્રકાશે છે. તારી દયાના મેઘ સૌ ઉપર વરસે છે. તારો કૃપાપ્રસાદ સૌને મળે છે. તારી નિયતિ સૌને ટકાવી રાખે છે. તારું રક્ષણ સૌને આવરી લે છે. તારી કરૂણાની દૃષ્ટિ સૌને ઉજજવલ બનાવે છે. હે નાથ! અમને તારાં અનંત વરદાનો આપ અને તારા માર્ગદર્શનના પ્રકાશને ચમકવા દે. અમારી આંખોને તેજ આપ, આત્માઓને આનંદિત કર અને હૃદયોમાં નવું જોમ ભરી દે. અમને શાશ્વત જીવન આપ. તારા જ્ઞાનનાં બારણાં ખોલી નાખ, શ્રદ્ધાના પ્રકાશ દ્ધારા અજવાળા પાથરવા દે. માનવજાતને સંગઠિત કરીને તારા રક્ષણની પતાકા નીચે આશ્રય આપ. તારી કૃપાથી જ તેઓ એક સમુદ્રનાં મોજાં જેવા, એક વૃક્ષનાં પાંદડાં અને ડાળીઓ જેવા બનશે અને એક જ તંબુની છાયામાં એકત્ર થશે, એક જ ઝરણામાંથી અજવાળું પ્રાપ્ત કરશે. તું દાત છે, તું દયાળુ છે, તું સર્વવ્યાપી છે!

#11058
- `Abdu'l-Bahá

 

હે દયાળુ સ્વામી ! તેં આખી માનવજાતને એક જ મૂળ કુટુંબમાંથી જન્મ આપ્યો છે. સૌ એક જ કુટુંબના સભ્યો રહે એવો તારો આદેશ છે. તારી પવિત્ર ઉપસ્થિતિમાં સૌ તારા દાસ જ છે. આખી માનવજાતિને તારા મંડપ નીચે આશ્રય મળ્યો છે, બઘા જ તારી વિપુલતાના દ્વારે ઊભા છે, બઘા ઉપર તારી નિયતિનો પ્રકાશ પથરાયો છે.

હે ઈશ્વર, તું બઘા પ્રત્યે દયાળુ છે, તેં બઘાંનું પાલન કર્યું છે, બઘાંને આશરો આપે છે, જીવનનું દાન આપે છે. તેં દરેક પ્રતિભા અને સદગુણો લક્ષ્યાં છે. તારી જ દયાના સગરમાં બઘાં ડૂબકી મારે છે.

હે દયાનાથ, બઘાંને એક કર. બઘા ધર્મો એક થઈને બઘાં જ રાષ્ટ્રોને એક કરે કે જેથી બઘાં એકબીજાને એક જ કુટુંબના સભ્ય તરીકે જોતા થાય અને આખી પૃથ્વીને એક ઘર માને. એવું વરદાન આપ કે સૌ સાથે મળીને સંપૂર્ણ સદ્ભાવથી રહે! હે ઈશ્વર! માનવજાતની એકતાનો ઘ્વજ ઊંચો લહેરાવ. હે પરમાત્મા. પરમ મહાન શાંતિની સ્થાપના કર. હે પ્રભુ! બઘાનાં હૃદયોને જોડી દે.

હે કૃપાળુ તાત, હે પરમાત્માં! તારા પ્રેમની સુગંઘથી અમારાં હૈયાંને પુલકિત કર. તારા માર્ગદર્શનના પ્રકાશથી અમારી આંખોમાં તેજ આંજી દે. તારી વાણીના ઉદ્ગાનથી અમારા કાનને આનંદ આપ. તારા મંગળવિઘાનના સંરક્ષણમાં અમને શરણ આપ.

તું શકિતશાળી અને સમર્થ છે. તું ક્ષમાવાન છે. માનવીની ત્રુટિઓની સદા અવણના કરે તેવો એકમાત્ર તું જ છે.

#11059
- `Abdu'l-Bahá

 

ક્ષમાયાચના

હે પ્રભુ, હું ગુણ ગાઉં છું! મારા હૃદયમાંથી વ્યર્થ તરંગો અને પોકળ કલ્પનાઓ ભુંસાઈ જાય તે માટે હું પુરેપુરા સ્નેહથી તારા તરફ વળું છું. હે જગત્પતિ! તારી ઈચ્છાને અનુરૂપ તારા કૃપાપુષ્પોનો પમરાટ તારા આદેશથી સમગ્ર સુષિ્ટમાં પ્રસરી ગયો છે અને તારી ઈચ્છાનો સૂર્ય તારાં સાર્વભૌમત્વ અને શકિત–સામર્થ્ય દ્ધારા તારી કૃપાના આકાશમાં ઝળહળે છે.

હે જગન્નાથ! હું તારો દાસ છું, તારા દાસનો પુત્ર છું. મારો હાથ તારી કરૂણાને સોપાઈ ગયો છે. હું તારી દયાના તંતુને પકડી બેઠો છું. તારી પાસે જે ઉત્તમ છે તે મને આપ. તારા ઔદાર્ય અને અનુગ્રહરૂપી સ્વર્ગના વાદળોમાંથી તેં વરસાવેલા અમૃત દ્વારા મારૂં પોષણ કર.

હે પ્રભુ, તું જ વિશ્વઘિપતિ છે, સ્વર્ગ અને પૃથ્વીના સકળ ભુતજગતનો સ્વામી છે.

#11054
- Bahá'u'lláh

 

હે જગત્રાતા ! તારી અનુકંપાથી મારી હિમંત વઘી છે પરંતું તારા ન્યાયથી મારામાં ભય વ્યાપ્યો છે. જેને તારી અનુકંપા મળી તે સુખી છે, જેને તારા ન્યાયનાં પારખાં થયાં તે દુઃખી છે.

ભગવાન! હું તારા ન્યાયથી ડરીને ભાગ્યો છું; તારી અનુકંપા યાચું છું તારા રોષથી હું કાંપી ઊઠયો છુંઃ તારી ક્ષમા માગું છું. તારી સમર્થતા, સાર્વભૌમ સત્તા, મહાનતા અને અનુકંપાના ગુણોનો ઉલ્લેખ કરીને હું પ્રાર્થના કરૂં છું કે હે સર્જનહાર, તારા જ્ઞાનના પ્રકાશ વડે સમગ્ર માનવજાતને અજવાળુ આપ કે જેથી સર્વ પદાર્થો તારા હસ્તકૌશલનું પ્રતિબિંબ પાડે, તારી ક્ષમતાનાં રહસ્યો પ્રગટ કરે અને તારા જ્ઞાનના પ્રકાશને વ્યકત કરે.

તેં જ સમગ્ર ભૂતસૃષ્ટિને દ્રશ્યમાન બનાવી અને તું જ એના ઉપર કરુણા અને કૃપાનો પ્રકાશ બનીને ચમકે છે.

તું પરમ ઉદાર કરુણાસિંઘુ છે.

#11055
- Bahá'u'lláh

 

કસોટીઓ અને સંકટો

હે મારા નાથ, પ્રભુ, તારો જય થાઓ! હે મારા સ્વામી, જે તને જોવા માગે છે પરંતુ હજુ તારાથી અલગ છે અને તારા દરબારથી દૂર છે તેમના નિસાસા તું સાંભળે છે. તને ઓળખનારા તારાથી દૂર છે તને મળવા ઝંખે છે એમનાં કલ્પાંતની સાક્ષી તું જ પુરે છે. એમનાં હૈયા તારા સ્મરણ અને કીર્તિગાનના ખજાના જેવાં છે અને એના દ્વારા તારી શકિતની જ પ્રતિતિ થાય છે. આવા લોકોને નામે હું તને પ્રાર્થના કરૂંછું, હે નાથ, કે આ તારા સેવકોને તારી ભવ્યતાના તેજપુંજના પ્રાગટયના આસન પાસે પહોચવાની એમને શકિત આપ અને તારા ઉપર જ જેમનો મદાર હોય તેમને તારા પારગામી અનુગ્રહ અને કૃપા મંડપમાં પ્રવેશ કરવા દે.

હે મારા પ્રભુ, હું નગ્ન છું, મને તારી કોમળ દયાનું વસ્ત્ર પહેરાવ. હું ખૂબ તરસ્યો છું મને તારા અખૂટ અનુગ્રહસાગરમાંથી પાન કરવા દે. હું અજાણ્યો છું, તારા વરદાનોના મૂળ સુઘી મને લઈ જા. હું માંદો છું, મારા ઉપર તારી કૃપાનાં આરોગ્યદાયક જળનો છંટકાવ કર. હું કેદી છું, તારી શકિત અને ઈચ્છાના બળે મને બઘનમાંથી છોડાવ, કે જેથી અનાસકિતની પાંખે ઊડીને તારી સૃષ્ટિના ઉત્તુંગ શિખરો સુંઘી પહોચી શકું. ખરેખર, તું જે ઘારે તે કરે છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું જ સંકટમાં સાથી છે. તું સર્વાંશે ભવ્ય, અને નિર્બાઘ છે.

#11028
- Bahá'u'lláh

 

હે ઈશ્વર, તારો જય થાઓ! તારા માર્ગમાં આવતાં કષ્ટો સહ્યા વિના સાચા પ્રેમીઓને કેમ ઓળખી શકાય? તારા પ્રેમમાં કસોટીઓ ન થતી હોય તો તને ઝંખનારાઓની દશા કેમ સમજી શકાય? તારા અમાપ બળની સાક્ષીએ હું કહું છું! તને ભજનારાના સાથી છે એમની આંખમાંથી વહેતા આંસુ, તને સોઘનારાની હૈયાઘારણ બને છે એમના પોતાના જ ઉંહકારા, તને મળવા તલપાપડ થયેલાનો ખોરાક છે એમનાં તૂટીને ટૂકડે ટૂકડા થયેલા હૃદય!

તારે માર્ગે ચાલતાં મુત્યુના દુઃખની કડવાસ તે મારા માટે કેટલીક મઘુર છે! તારી વાણીના ઉદ્ગાન માટે શત્રુઓ સામે લડતાં એમની તલવારો મારે મન કેટલી મૂલ્યવાન છે! હે પ્રભુ, તારા ઘર્મનું પાલન કરવામાં તને ગમે તેવો સ્વાદ મને ચખાડ. તારા પ્રેમના પથે, તેં જે કંઈ નકકી કર્યું હોય તે બઘું મને આપ. મારી મહાનતાના સોગંદ! જે તારી મરજી તે જ મારી મરજી. જે તને પસંદ તે જ મને પસંદ. મેં સદા તારામાં જ પુરેપુરો વિશ્વાસ મુકયો છે.

હે ભગવાન, તને હાથ જોડીને વીનવું છું કે મારો ઉદ્ધાર કર, જેથી કે તારા નામ અને સાર્વભૌમત્વને યોગ્ય ઠરે તેવા આ પ્રાગટયના સહાયકો મને તારા પ્રાણી તરીકે યાદ રાખે અને તારી ભૂમિમાં તારી વિજયપતાકાઓ લહેરાવે. તું તારી મરજીમાં આવે તે કરી શકે છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સંકટકર્તા અને સ્વયંપૂર્ણ છે.

#11029
- Bahá'u'lláh

 

હે મારા પ્રભુ, તારૂં નામ ચોગરદમ ફેલાય ! મારી આંખો તારી દયાના ચમત્કારો જોવા તલસે છે, એને તું તૃપ્ત કર મારા કાન તારા મઘુર ગીતો સાંભળવા આતુર છે, એને તું તૃપ્ત કર. મારૂં હૈયું તારા જ્ઞાનના જીવનજળને ઝંખે છે, એને તું ઝકડી રાખ. હે મારા નાથ, આ તારી દાસી તારા કૃપા પ્રસાદ સામે ઊભી છે અને તારૂં નામ લઈને પોકારે છે. આ નામ તેં તારાં અનેક નામોમાંથી પસંદ કયું છે અને સ્વર્ગ અને પુથ્વીના ભૂતમાત્રને આપ્યું છે. તારી દાસીમાં એવા તો કરૂણાથી મઘમઘતા શ્વાસ ફૂંક કે એ પોતાની જાતનેય ભૂલી જાય અને તારા વદનકમળની આભાથી ચમકતા, તારી સાર્વભૌમ સત્તાનો પ્રકાશ પાથરતા તારા રાજસિંહાસન ભણી ખેંચાઈ આવે. તું જે ઘારે તે કરી શકે છે. તારા સિવાય કોઈ ઈશ્વર નથી તું પરમ દીપ્તિમાન, પરમ ઉદાર છે.

હે માર સ્વામી, મારી અરજ સાંભળ, તને જે શોઘે છે તેમને જાકારો ન આપ. તારા તરફ ડગ માંડનારા પરથી વંચિત નરાખ. હે મારા નાથ, તું તો પોતાને દયાનો દેવતા, પરમ કરુણાસિંઘુ તરીકે ખપાવે છે તો પછી, તારું શરણું શોઘતી, તારા મોઢા પર આશાની મીટ માંડી બેઠેલી આ દાસીઓ પર કૃપા કર.

ખરેખર તું સદા ક્ષમાવાન, પરમ કરૂણામય છે.

#11030
- Bahá'u'lláh

 

દિવંગતો માટે

( પંદરથી વઘુ વયની વ્યકિતના મુત્યુ વખતે આ પ્રાર્થના કરાય છે. સમુદાયની વચ્ચે પાઠ થતો હોય તેવી આ એક માત્ર પ્રાર્થના છે. એક વ્યકિ્ત એનો પાઠ કરે અને બાકી બીજાં બઘા ઉભાં રહે. એનો પાઠ કરતી વખતે પવિત્ર સમાઘિ ³અકકા´ તરફ મુખ રાખવાની જરૂર નથી.)

હે મારા પ્રભુ! આ તારો દાસ/દાસી* છે, તારા દાસનો પુત્ર/ પુત્રી* છે એને તારામાં તથા તાર સંકેતોમાં સદા આસ્થા રહી છે. એ બઘાંથી પર થઈને તારા તરફ વળ્યો છે. તું ખરેખર જ, દયાળુઓમાં સૌથી વઘુ દયાળુ છે. હે માનવીના પાપોને માફ કરનાર અને એની ત્રુટિઓને ઢાંકનાર ! તારા ઔદાર્યના સ્વર્ગ અને તારી દયાના સાગરને છાજે એવો એની સાર્થ વ્યવહાર કર. પૃથ્વી અને સ્વર્ગના પાયા નંખાયા તે પહેલાં પણ જે હતી, તે તારી પારગામી દયાના દરબારમાં એને પ્રવેશ કરાવ. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સદા ક્ષમાવાન, ઔદાર્યનો ભંડાર છે.

હવે એણે છ વાર ‘અલ્લા–ઓ–અબ્હા’ કહેવું અને નીચેની પંકિતઓ પ્રત્યેક ઓગણીસ વાર બોલવીઃ

અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરને ભજીએ છીએ.

અમે સર્વે, ખરેખર જ ઈશ્વરને નમીએ છીએ.

અમે સર્વે, ખરેખર જ, ઈશ્વર પ્રતિ આસ્થાવાન છીએ.

અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ.

અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરના આભારી છીએ.

અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરમાં ઘીરસ્થિર છીએ.

( મરનાર સ્ત્રી હોય તો “ આ તારી દાસી છે, તારી દાસીની પુત્રી છે” વગેરે બોલવું´ )

#11031
- Bahá'u'lláh

 

હે પ્રભુ, મારા સ્વામી! તારા ગુણગાન થાઓ. જેને તેં તારી શાશ્વત સત્તા દ્વારા ઊંચે ઉઠાવ્યો છે તેનું પતન ન કર, જેને તેં તારા અમરત્વના છાયામંડપમાં પ્રવેશ આપ્યો છે તેને તારાથી દૂર ન કર. હે પ્રભુ, જેને તેં તારા સ્વામીત્વના છત્ર નીચે આવવા દીઘો તેને શું તું તારાથી વિમુખ કરી દઈશ હે મારા હૃદયની આકાંક્ષા, જેનો તું આશ્રયદાતા બન્યો છે તેને શું તું દૂર ઘકેલી દઈશ? જેને તેં ઊંચે આણ્યો તેને શું તું નીચે પાડી શકે? તને યાદ કરવાની તેં જેને શકિત આપી તેને તું શું ભૂલી શકે?

હે જગત્પતિ! તારો મહિમા અપાાર છે, અપરંપાર છે! સમગ્ર સૃષ્ટિનો તું જ આરંભકાળથી અઘિશાસક છે, એનો નિયંતા છે, અને અનંતકાળ સુઘી તું એનો સ્વામી અને નિયામક રહશે. હે મારા પ્રભુ, તારો મહિમા અપાર છે, અપરંપાર છે! જો તું જ તારા સવકો પ્રત્યે દયા કરવાનું છોડી દેશે તો એમના પ્રત્યે બીજો કોણ દયા કરશે? જો તું તારા પ્રિયજનોના પાલનનો ઈન્કાર કરશે તો એમનું પાલન કરે એવો કોણ છે?

હે પ્રભુ, તારો મહિમા અપાર છે. અપરંપાર છે! તારા સત્ય થકી તારી ભકિત થાય છે, અને અમે સર્વે, ખરેખર જ, તને ભજીએ છીએ. તું તારા ન્યાય દ્વારા વ્યકત થાય છે અને અમે સૌ ખરેખર, તારા જ ક્ષાસી છે તું તારી કૃપા થકી પ્રિય છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સંકટમાં સહાયક અને સ્વયંપૂર્ણ છે.

#11032
- Bahá'u'lláh

 

ન્યાય

બોલોઃ હે ભગવાન, હે જગતના નાથ! મારા મસ્તકને તું ન્યાયમુકુટથી સુશોભિત કર. મારા મંદિરને સમતાના શણગારથી સજજ કર. ખરેખર, બઘી ભેટસોગાદ અને સમૃદ્ધિનો સ્વામી તું જ છે.

#11033
- Bahá'u'lláh

 

પ્રવાસ ઘરથી બહાર જવાના સમયે

હે પરમેશ્વર, આજે સવારે હું તારી જ કૃપાથી ઊઠયો છું. તારામાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને પુરા ભરોસા સાથે મારા ઘરેથી નીકળ્યો છું. તારી દયાના સ્વર્ગમાંથી તું મારા ઉપર આશીર્વાદ વરસાવ અને જેમ ઘરેથી તારા જ વિચારોમાં લીન થઈને નીકળ્યો ત્યારે તેં મદદ કરી તે જ રીતે હવે સલામત રીતે ઘરે પાછા ફરવામાં પણ મદદ કર.

તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું એક, અતુલનીય, સર્વજ્ઞ, સર્વપ્રજ્ઞ છે.

#11036
- Bahá'u'lláh

 

પ્રશિક્ષણ

હે મારા સ્વામી, હે ભગવાન, તારો જય હો! જે તારા સંકેતોનો ઉદયભાનું, તારા નામોની અભિવ્યકિત, તારી પ્રેરણાનો ભંડાર, તારા શાણપણનો ખજાનો છે તેને નામે તને પ્રાર્થના કરૂ છું કે હે પરમેશ્વર, તારા પ્રિયજનો તારા ઘર્મમાં અચળ રહી શકે, તારા એકત્વને ઓળખી શકે, તારી દિવ્યતાના સાક્ષી બની શકે એટલા બળનું વરદાન એમને આપ. એમને એટલી ઊંચાઈએ લઈ જા કે જયાંથી તેઓ તારા પુનિત અને સર્વથા ભવ્ય સ્વરૂપનો જે આવિભાર્વ છે તેના સામર્થ્યનાં પ્રતિક સકળ પદાર્થોમાં દર્શન કરી શકે.

હે મારા નાથ, તું જે ઈચ્છે છે તે કરે છે અને જે ચાહે છે તે આપે છે. તારા સામર્થ્ય પાસે કોઈપણ સત્તાઘીશ પાંગળો બની જાય છે. અને ગમે તેવો માંઘાતા હોય તે પણ તારી ભવ્યતા આગળ ઝાંખો પડી જાય છે.

હું તને, તારા સમગ્ર સ્વરૂપને પ્રાર્થના કરું છું કે મને એવું વરદાન આપ કે જેથી હું તારા ઘર્મને માટે સહાયરૂપ બનું, તારાં ગુણગાન ગાઉં. મારા હૃદયને તારા અભયસ્થાન તરફ વાળુ અને તારાથી વિમુખ હોય તેવાં સઘળાંથી અનાસકત બનું. ટાારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સામર્થ્યવાન, ભવ્યતમ જ્ઞાનસિંઘુ છે.

#11037
- Bahá'u'lláh

 

તારા સામર્થ્ય આગળ બઘાજ પવિત્ર જનોએ પોતાની અસહાયતા પ્રગટ કરી છે અને દરેક ઈશ્વરીય દૂતે તારી સર્વગ્રાહી ભવ્યતાના સ્ત્રોત સામે પોતાની પામરતા કબૂલ કરી છે. હે ઈશ્વર, તારાં જયગાન થાઓ! તારા જે નામથી સ્વર્ગના દ્વાર ખુલ્યા છે અને ઉત્તમ સ્વર્ગભૂમિના નિવાસીઓ આનંદસમાઘિમાં ગરક થઈ ગયા છે તે નામનું આજે હું રટણ કરૂં છું અને તને પ્રાર્થના કરું છું કે આ યુગમાં હું તારી સેવા કરી શકું અને તારા પવિત્ર ગ્રંથમાં તેં જે નિર્દેશ આપ્યા છે તેનું પાલન કરી શકું એવું બળ આપ. હે મારા નાથ, તું જાણે છે કે મારામાં શું છે, પણ હું નથી જાણતો કે તારામાં શું છે તું સર્વજ્ઞ, અંતર્યામી છે.

#11038
- Bahá'u'lláh

 

હે માર ઈશ્વર, તું બઘી જ ભવ્યતા અને રાજસી એાજ, મહાનતા અને આદર, સર્વોપરિતા અને સાવભૌમત્વ, ઉદાત્તતા અન કરૂણાના વિસ્મય અને સત્તાનો સ્ત્રોત છે. તારો જય હો ! તું જેમને ઈચ્છે તેમને તારા મહાસિંઘુની પાસે લઈ જાય છે. તું જેમને ઈચ્છે તેમને તારા મહાનતમ આદિ નામને પિછાણવાનું માન આપે છે. પૃથ્વી અને સ્વર્ગમાં જે કંઈ છે તેમાંનું કશું પણ તારી સાર્વભૌમ ઈચ્છાના અમલ સામે ટકી શકે એમ નથી. તું અનંતકાળથી સમગ્ર ભૂતસૃષ્ટિનું નિયમન કરતો આવ્યો છે અને હંમેશાં કરતો રહીશ. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સર્વશકિતમાન, મહાનતમ, સર્વ સામર્થ્યવાન, સંપૂર્ણ પ્રજ્ઞાયુકત છે.

હે સ્વામી તારા સેવકોનાં મુખમંડળો પર પ્રકાશ ફેંક કે જેથી તેઓ તારામાં જ રત રહે. એમના હૃદયોની શુદ્ધિ કર કે જેથી તેઓ તારી સ્વર્ગીય કૃપાના દરબાર ભણી આવે અને જે તારા સ્વરૂપનો આવિર્ભાવ છે જે તારા તત્વનું પ્રાગટયસ્થાન છે તેને ઓળખી શકે. ખરેખર તું જ સમગ્ર સૃષિ્ટનો સ્વામી છે.

તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું બંઘનોથી પર છે, તું સૌનો નિયંતા છે.

#11039
- Bahá'u'lláh

 

હે મારા પ્રભુ! હે મારા પરમેશ્વર! હું તારો દાસ તારા તરફ ખેચાયો છું, તારા એકત્વના બારણા ભણી નમ્રતાપૂર્વક આવ્યો છું. અને તારી દયાના સામ્રરાજયને શરણે આવું છું.

હે ઈશ્વર, મને પુરેપુરો તારો જ થઈને રહેવા દે, ફકત તારા જ વિચારોમાં લીન રહેવા દે, તારા પ્રેમના અગિ્નમાં પ્રજવલિત રહેવા દે, તારા સિવાય બીજા બઘાથી વિરકત રહેવા દે કે જેથી હું તારા ઘર્મ માટે કામ કરું તારા શાણપણનો પ્રચાર કરું, તારું જ્ઞાન ફેલાવું, તને ઓળખવાનો આનંદ સૌને વહેચું.

હે પરમાત્મા ! હું તો તારા સમર્થ હાથો દ્વારા પ્રગટેલી જયોત છું, કસોટીઓના ઝંઝાવાતોથી એને ઓલવાઈ જવા દેતો નહિ. તારા માટે મારો પ્રેમ વઘતો રહે એવું કર, તારા અદ્વૈત સૌંદર્ય માટેના મારા તીવ્ર આકર્ષણમાં વૃદ્ધિ કર, મારી અંદર ‘સાઈનાઈ‘ શિખરમાં તારી આદ્ધિતિયતાનો જે ભભૂકતો અગ્નિ છે તેને પ્રગટાવ તથા મારામાં છુપાયેલા શાશ્વત જીવનને તારી કરૂણા અને ઉદારતાથી જાગૃત કર.

તું રક્ષક, દ્રષ્ટા, કરૂણામય, દયાળુ છે.

#11060
- `Abdu'l-Bahá

 

હે પરમાત્મા ! હે પ્રભુ તું જુએ છે કે, તારાં પ્રાણીઓની સામે હું નબળો, દીન અને વિનમ્ર છું છતાં પણ તારી શકિત અને સામથ્ર્યમાં વિશ્વાસ તથા પૂર્ણ આસ્થા રાખીને તારા સબળ સેવકોમાં તારા ઉપદેશનો પ્રચાર કરવા હું ઉઠયો છું.

હે નાથ, હું તો કપાયેલી પાંખવાળુ પક્ષી છું પરંતું તારા અનંત આકાશને આંબવા ઈચ્છું છું. તારી અનુકંપા અને દયા વિના, તારી સંમતિ અને સહાય વિના, એ બની જ કેમ શકે?

હે સ્વામી, મારી નબળાઈની દયા ખાઈને મને તારા સામર્થ્યથી સશકત બનાવ ! હે સ્વામી, મારી નિર્વિયતા પર દયા લાવીને તારી શકિત અને રાજસિક ગૌરવથી મને મદદ કર !

હે પાલક ! તારી પવિત્ર પ્રાણફૂંકથી તો નબળામાં નબળો જીવ પણ માગ્યું મેળવી શકે છે, ઘારે તેનો માલિક બની શકે છે. ખરેખર, આ પહેલાં તેં તારા સેવકોને મદદ કરી છે; તેઓ પણ તારી સૃષ્ટિમાં સૌથી નબળા હતા, લોકોમાં સૌથી હીન હતા અને એ વખતના જગતના રહેવાસીઓમાં તદ્દન પામર હતા; પરંતુ તારી કૃપા અને શકિત થકી માનવજાતમાં જે સૌથી ભવ્ય અને સૌથી ઉત્તમ હતા એમનાથી પણ એ આગળ વઘી ગયા. ક્ષુદ્ર જંતુમાંથી રાજસી બાજ બની ગયા, ખાબોચિયામાંથી સમુદ્ર બની ગયા. એ બઘું તારા જ વરદાન અને તારી જ દયાને પ્રતાપે થયું. તારી મહાકૃપાથી તેઓ પથપ્રદર્શનના ક્ષિતિજે ચમકતા તારા, અમરત્વના નંદનવનમાં કૂજન કરતાં પક્ષી, જ્ઞાન તથા શાણપણનાં વનોમાં ગર્જના કરતા વનરાજ તથા જીવનસાગરમાં તરતા મહામચ્છ જેવા બની ગયા.

ખરેખર તું દયાળુ છે. સમર્થ અને શકિતશાળી છે. કૃપાળુઓમાં અત્યંત કૃપાળુ છે.

#11061
- `Abdu'l-Bahá

 

પ્રાતઃકાળ

હે મારા પ્રભુ હું તારી નિશ્રામાં જાગ્યો છું એ આશ્રય જે ઝંખતા હોય એમણે તારા રક્ષણના અભયસ્થાન અને તારા સંરક્ષણના કિલ્લામાં રહેવાનું હોય છે. હે નાથ, જેમ તું મારા બાહ્ય અસિ્તત્વને તારા અનુગ્રહની ઉષાના પ્રકાશથી અજવાળે છે તે જ રીતે મારા અંતરતમને પણ તારા ઘર્મના જ્ઞાનોદયથી પ્રકાશિત કર.

#11034
- Bahá'u'lláh

 

હે માર પ્રભુ, માર નાથ ! હું તારો દાસ છું, તારા દાસનો પુત્ર છું. હું તારા આદેશના ગ્રંથોમાં નિર્દિષ્ટ છે તે પ્રમાણે, આ પરોઢિયે, તારી ઈચ્છાના અરૂણોદયમાં, તારા અદ્ધૈતનો દિવ્ય તારી સમગ્ર સૃષ્ટિ ઉપર પોતાની આભા વેરે છે ત્યારે મારી પથારીમાંથી ઉભો થાઉં છું. હે મારા પરમેશ્વર, તારા જ્ઞાનના પ્રકાશની છોળો ઊછાળે છે ત્યારે અમે જાગ્યા છીએ તે માટે સદાયે તારી સ્તુતિ કરીએ. હે નાથ, હવે, અમારા પર એવું શકિતવર્ષણ કર કે જેથી અમે તારા સિવાયનાં સઘળાંનો ત્યાગ કરી શકીએ અને તારા પ્રત્યેના અનુરાગ સિવાયના સર્વ અનુરાગોથી અનાસક્ત થઈ શકીએ. વળી હે પરમાત્મા, મારા માટે અને મારા પ્રિયજનો તથા મારાં સગાંસંબંઘીઓ માટે, સ્ત્રી–પુરુષ સૌને માટે, સમાન ભાવે એવું વિઘાન કર કે અમને આ લોક અને પરલોકમાં જે કલ્યાણકારી છે તેની પ્રાપ્તિ થાય. હે સમગ્ર સૃષ્ટીના પ્રિયતમ, હે સમગ્ર બ્રહ્માંડની પિપાસાના પ્રભુ, માણસોના હૃદયમાં કુટિલતા ભરનારા, જે દુષ્ટ વાતો કાનમાં કહેનારા છે તેમનાથી અમને તારું અચૂક રક્ષણ આપ. તું જે કરવા ઘારે તે કરી શકે છે તું નિસંશય, શર્વશકિતમાન, સંકટનો સાથી, સવયંપૂર્ણ છે.

હે મારા નાથ, પ્રભુ જેને તેં તારાં સર્વોત્કૃષ્ટ નામાભિઘાનો પ્રદાન કર્યાં છે અને જેના દ્વારા તેં દૈવી અને આસુરી વૃતિ્તવાળા વચ્ચે ભેદ કર્યો છે તેને આશીર્વાદ આપ, અને તને જે પ્રિય છે, જે તું ચાહે છે તેવું કરવામાં અમને સહાય કર. વળી હે મારા ઈશ્વર, જે તારા પવિત્ર શબ્દો અને પાવન અક્ષરો બન્યા છે, જે તારા તરફ અભિમુખ થયા છે, જેમણે તારા મુખારવિંદ પર ચાતક દૃશ્ટી માંડી છે અને તારા આહ્વાનને સાંભળ્યું છે એમને પણ આશીર્વાદ આપ.

ખરેખર, તું સમગ્ર માનવજાતનો સ્વામી છે, સમ્રાટ છે, સમગ્ર સૃષ્ટિ પર તારું આઘિપત્ય છે.

#11035
- Bahá'u'lláh

 

હે કરૂણાસિંઘુ પરમેશ્વર ! તેં મને જગાડયો અને ભાનમાં આણ્યો તે માટે તારો પાડ માનું છું તેં મને જોવા માટે આંખ અને સાંભળવા માટે કાન આપ્યા છે તું મને તારા સામ્રરાજય તરફ લઈ ગયો છે. તેં મને તારા માર્ગે ચાલવામાં માર્ગદર્શન આપ્યું છે તેં મને રસ્તો દેખાડયો છે અને મુકિતના દ્વારમાં પ્રવેશ કરાવ્યો છે. હે પ્રભુ, હવે મને અવિચળ, દ્રઢ અને નિષ્ઠાવાન બનાવ. આકરી કસોટીઓમાં મારું રક્ષણ કર અને તારી સંવિદાના મંદિરમાં અને સંવિદાના મજબૂત કિલ્લામાં મને આશરો આપ. તું સમર્થ છે! તું એટલે મારી દર્શનની ક્રિયા, તું એટલે મારી શ્રવણની ક્રિયા !

હે પરમ કુપાળુ પરમાત્મા, મને દર્પણ જેવું નિર્મળ હૃદય આપ કે જે તારા પ્રેમના પ્રકાશથી ઝળહળી ઊઠે. મારામાં એવા વિચારોની પ્રેરણા કર કે જે આ વિશ્વને દિવ્ય કૃપાની વર્ષાથી ગુલાબવાડીમાં ફેરવી નાખે. તું કૃપાળુ, દયાળુ છે, તું મહાન કલ્યાણકારી છે !

#11062
- `Abdu'l-Bahá

 

બાળકો

હે પરમેશ્વર, તારૂં જ નામ લેવાથી માંદા સાજા થઈ જાય છે, અસ્વસ્થને સ્વાસ્થય પાછું મળે છે, તરસ્યો પાણી પામે છે, જખમીને શાતા મળે છે, માર્ગ ભૂલેલાને માર્ગદર્શન મળે છે, પતિતોનો ઉદ્વાર થાય છે, અકિચનો લક્ષ્મીવાન બને છે, અજ્ઞાનીઓને જ્ઞાનલાભ થાય છે, શોકમગ્ન પ્રફુલિ્લત થાય છે, દુઃખી આનંદ પ્રાપ્ત કરે છે, ઠંડા હોય તેમને ઉષ્મા પ્રાપ્ત થાય છે અને દલિતોનો ઉદ્ધાર થાય છે. હે ભગવાન, તારા નામથી જ સમગ્ર ભૂતસૃષિ્ટમાં સ્પંદનો જાગ્યાં અને નક્ષત્રો ફેલાયાં, પૃથ્વીનો જન્મ થાયો, વાદળ બંઘાયાં અને તારા જ નામ થકી પૃથ્વી પર વરસ્યાં. ખરેખર સમગ્ર માનવ સૃષ્ટિ માટે એ તારા વરદાનનું પ્રતિક છે.

એટલે જ, તેં નામ દ્વારા તારું ઈશ્વરીરૂપ પ્રગટ કર્યં અને સમગ્ર સૃષ્ટિથી તારા ઘર્મને ઊંચું સ્થાન આપ્યું, તે નામનું સ્મરણ કરીને તથા જે ગુણો દ્ધારા તારાં ઉત્તમોત્તમ બિરૂદો અને પવિત્રતમ લક્ષણ તેમ જ પારગમ્ય તથા સર્વોત્કૃષ્ટ અસ્તિત્વ પ્રગટ થાય છે તે ગુણોને યાદ કરીને હું તને વિનંતી કરૂં છું કે આજની રાતે તારી દયાના વાદળમાંથી આ બાળક ઉપર તારી સંજીવનીની વૃષ્ટિ કર. તેં આ બાળકને તારા સર્વાંગ આલોકિત અસ્તિત્વના સૃષ્ટિ સામ્રરાજયમાં જોડયો છે; હવે એને તારી કૃપારૂપી વસ્ત્ર આપ, કલ્યાણ અને સ્વાસ્થયનો ઝબ્બો પહેરાવ અને તારા સુઘી પહોંચવામાં અવરોઘ સમાન હોય એવાં દુઃખો અને અવ્યવસ્થા સામે એનું રક્ષણ કર. સાચે જ, તારી એકલતાની શકિત જ સમગ્ર સૃષ્ટિની *(શકિત) બરાબર છે. વાસ્તવમાં તું જ સર્વશકિતમાન અને આત્મનિર્ભર છે. ઉપરાંત આ બાળક ઉપર આ લોક અને પરલોકમાં જે શુભ હોય, ગઈ અને આવતી પેઢી માટે જે શુભ હોય તેની અમીવૃષ્ટિ કર, એ તો તારી જ શકિત અને તારા જ જ્ઞાનથી શકય છે.

#11040
- Bahá'u'lláh

 

હે ઈશ્વર ! આ શિશુનો તારા પ્રેમની છાતીએ વળગાડીને ઉછેર કર. એને નિયતિનાં સ્તનોના દૂઘનું પાન કરાવ. આ નવા છોડને તારા પ્રેમરૂપી ગુલાબવાડીમાં રોપીને માવજત કર. વિઘાતાનાં વાદળોમાંથી થતા વર્ષણ દ્વારા એનું પાલન કર. એને તારા અઘિરાજયનું શિશું બનાવ અને દૈવી લોક તરફ દોરી જા.

તું સમર્થ અને દયાળુ છે ! તું દાતા છે, અમીવર્ષક છે. તારા આશીર્વાદ બઘાંથી પાર જાય છે.

#11063
- `Abdu'l-Bahá

 

હે મારા નાથ ! હે મારા સ્વામી !

હું કુમળી વયનું બાળક છું. દયારૂપી સ્તનો દ્વારા મારૂં પોષણ કર. તારા પ્રેમની હૂંફમાં મને તાલીમ આપ. તારા માર્ગદર્શનની પાઠશાળામાં મને શિક્ષણ આપ અને તારી ઉદારતાની છાયામાં મારો વિકાસ કર. મને અંઘકારમાંથી છોડાવ. મને ઝળહળતા પ્રકાશ જેવો બનાવી દે. મને દુઃખમાંથી મુકત કર અને તારી ગુલાબવાડીનું એક ફૂલ બનાવી દે. કૃપા કરીને મને તારા પવિત્ર ઉંબરા પાસે ચાકર બનીને ઊભા રહેવા દે અને સાતિ્ત્વકતાનું મારામાં રોપણ કર. માનવ–જાતિને અનર્ગળ સંપતિ મળે તેમાં મને નિમિત્ત બનાવ. મને અનંત જીવનની મુદ્રાવાળો મુકુટ પહેરાવ.

ખરેખર તું મહાસમર્થ, શકિતશાળી છે. દૃષ્ટા , શ્રોતા છે.

#11064
- `Abdu'l-Bahá

 

મઘ્યરાત્રી

( હે સત્યના શોઘક! તારી એવી કામના હોય કે, ઈશ્વર તારી ³આઘ્યાતિ્મક´ આંખ ખોલે તો તારે ઈશ્વરને જ શરણે જવું જોઈએ, અને મઘરાતે એની આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ, એની જોડે સંવાદ રચવો જોઈએ)

હે નાથ! મારું મુખ તારાં અદ્વૈતત્વના રાજય ભણી છે. હું તારી દયાના સાગરમાં ડૂબી ગયો છું. અંઘારી રાતે તારો પ્રકાશ્ પાથરીને મારી દૃષ્ટિને આલોકિત કર. આ અદ્ભૂત યુગમાં તારા પ્રેમનો કંસુબો પાઈને મને પુલકિત કર ! હે સ્વામી, તારો ઉપદેશ સાંભળવાની મને શકિત દે અને તારી ભવ્યતાનો પ્રકાશ જોઈ શકું તથા તારા પરમ સૌંદર્ય પ્રત્યે આકર્ષાઉં તે માટે મારી સમક્ષ તારાં સ્વર્ગનાં બારણાં ખોલી દે. ખરેખર તું દાતા, ઉદાર, દયાળુ અને ક્ષમાવાન છે.

#11065
- `Abdu'l-Bahá

 

મહામારીથી સંરક્ષણ માટે

મહામારીથી સંરક્ષણ માટે

બહાઉલ્લાહ દ્વારા પ્રગટિત પ્રાર્થના

“ તેના નામ પર, જે ગૌરવશાળી છે, પરમોચ્ચ છે, પરમ પાવન છે ! મહિમાવંત છે તું, હે મારા ઈશ્વર! હે તું જે મારા ઈશ્વર, અને મારા માલિક, અને મારા સ્વામી, અને મારો સહાયક, અને મારી આશા, અને મારો આશ્રય, અને મારો પ્રકાશ છે ! હું તારા ગૂઢ અને બહુમુલ્ય નામ દ્વારા, જેને તારા પોતાના સિવાય બીજું કોઈ જાણતું નથી, તે નામ દ્વારા આ પાતીના ધારકને દરેક પ્રકારની આફત અને મહામારીથી, તથા દરેક દૂર સ્ત્રી અને પુરૂષથી, દરેક દૂરાચારીના દૂરાચારથી, અને અશ્રધ્ધાળુઓના ષડયંત્રથી રક્ષણ કરવા માટે તેને વિનંતી કરું છું. આ ઉપરાંત, હે મારા ઈશ્વર, હે તું જે બધી ચીજોના સામ્રાજ્યને તારા હાથમાં પકડી રહ્યો છે, દરેક પ્રકારની પીડા અને સંતાપથી તેની સુરક્ષા કર. તું, સત્યતઃ, બધી ચીજો કરતાં વધારે શક્તિશાળી છે. તું જેમ ઈચ્છે તેમ કરે છે, અને તારી ઈચ્છા મુજબ આદેશ કરે છે.

હે તું સમ્રાટોનાં સમ્રાટ ! હે તું દયાળુ પ્રભુ ! હે તું પુરાતન અનુકંપા, કૃપા, ઉદારતા અને ઉપહારનો સ્ત્રોત ! હે તું બિમારીઓને મટાડનાર ! હે તું જરૂરીયાતોને પુરી કરનાર! હે તું પ્રકાશના પ્રકાશ! હે તું સમસ્ત પ્રકાશોથી ઉચ્ચ પ્રકાશ ! હે તું દરેક અવતારને પ્રગટ કરનાર ! હે તું કરૂણામય ! હે તું દયાળુ ! તારી પરમ મહાન દયા અને તારી વિપૂલ કૃપાથી આ પાતીના ધારક ઉપર તારી કૃપા કર, હે તું દયાળુ, હે તું દાતા. આ ઉપરાંત, તારી સુરક્ષા દ્વારા, તેના હૃદય અને મન માટે જે કંઈ પ્રતિકુળ છે તેનાથી તેનું રક્ષણ કર. તે, જેમને શક્તિ પ્રદાન કરવામાં આવી છ, તેમાંથી તું, ખરેખર, પરમ શક્તિશાળી છે. ઈશ્વરની મહિમા તારા ઉપર બિરાજે, હે તું ઉગતો સુરજ ! તું તેની સાક્ષી આપે છે જેની સ્વયં ઈશ્વરે પોતાના માટે સાક્ષી આપી છે, કે તેના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી, તે શક્તિશાળી છે, પરમ પ્રિય છે.”

#12027
- Bahá'u'lláh

 

માર્ગદર્શન

હે નાથ! અમે દયાને પાત્ર છીએ; અમારા પર કૃપા કર. અમે ગરીબ છીએ; તારા કુબેરભંડારમાંથી અમને પણ એક અંશ આપ. અમને જરૂર છે; અમને સંતુષ્ટ કર. અમે હીન છીએ; અમને ગૌરવ આપ. આકાશમાં ઊડતી સમડી અને ખેતરના પશુને રોજ તું જ ખાવનું પુરું પાડે છે. બઘા જીવો તારી કાળજી અને કૃપા પ્રાપ્ત કરે છે.

તારી અદ્ભૂત કૃપાથી આ નબળા જીવને વંચિત ન કર. તારી શકિતના સોગંદ લઈને આ લાચાર જીવને વચન આપ કે તું તારી વિપુલતાનો લાભ આપીશ.

અમને રોજ ભોજન આપ અને જીવનની જરૂરીયાતોમાં તારો ખપ વઘતો જાય તેવું કરી દે, જેથી અમે તારા સિવાય બીજા કોઈ ઉપર આઘાર ન રાખીએ, સંપૂર્ણ રીતે તારી સાથે જ સંપર્ક રાખીએ, તારા રસ્તાઓ પર ચાલીએ અને તારાં જ રહસ્યો પ્રગટ કરીએ. તું સર્વશકિતમાન પ્રેમાળ અને મનુષ્ય માટે દાતા છે.

#11066
- `Abdu'l-Bahá

 

હે કરૂણામય સ્વામી ! તું ઉદાર અને શકિતશાળી છે. અમે તારા દાસ છીએ. તારા વિઘાન નીચે આશરો લઈ બેઠા છીએ. અમારા ઉપર કૃપા દૃષ્ટિ કર. અમારી આંખોને પ્રકાશ આપ, અમાર કાનને શ્રવણશકિત આપ, અમારા હૃદયોને સમજણ અને પ્રેમથી તરબોળ કરી દે. તારા શુભ સમાચારોથી અમારા આત્માઓમાં આનંદ અને સુખ ભરી દે. હે નાથ ! અમને તારા દિવ્ય સામ્રાજયનો રસ્તો ચીંઘી દે અને પવિત્રાત્માની પ્રાણફૂંકથી અમને બઘાંને નવજીવન આપ. અમને શાશ્વત જીવનનું વરદાન દે અને અનંત સન્માનની નવાજેશ કર. માનવજાતને એક કર અને સમસ્ત જગતને પ્રકાશિત કર. એવું વરદાન આપ કે, અમે સૌ તારા માર્ગે જ ચાલીએ, તારા જ આનંદને ઝંખીએ! તારા દિવ્ય સામ્રાજયના રહસ્યો જ ખોળીએ.

હે પ્રભુ ! અમને સંગઠિત કર. અમારા હૃદયોને તારાં અવિચ્છેદ્ય બંઘનોમાં જોડી દે. ખરેખર, તું દાતા, પરમ દયાળુ, સર્વશકિતમાન છે !

#11067
- `Abdu'l-Bahá

 

માર્ગદર્શન–રક્ષણ

હે માર નાથ, માર ઈશ્વર, તું મહાન છે! જોરથી ફૂકાતા પવનો જેવી તારી કરુણાને નામે અને તારા ઉદે્શના આદિસ્ત્રોત અને તારી પ્રેરણાના ઉષઃસ્થાનના નામે હું તને વિનંતી કરૂં છું કે તું મારા પર તથા તારા આૈદાર્ય અને સમુદ્ધ કરુણાને પ્રતિબિંબિત કરતા તારા મુખમંડળનું દર્શન કરવા આતુર હોય, તારા આશીર્વાદ અને અનુગ્રહને પાત્ર હોય તેવા સૌ કોઈ પર તારી કરૂણાની વૃષ્ટિ કર. હે મારા સ્વામી, હું ગરીબ અને ઉપેક્ષિત છું. મને તારી સંપદાના સાગરમાં ડૂબી લગાવવા દે. હું તરસ્યો છું તારી પ્રેમકૃપાની સરિતાનાં જીવનજળ પીવા દે.

હું તારૂં નામ ઉચ્ચારીને જેને તારા સ્વરૂપનો આવિર્ભાવ બનાવ્યો છે તેનું નામ ઉચ્ચારીને અને સ્વર્ગ તથા પૃથ્વી પર પ્રસરતી તારી વિવેકવાણીનો ઉચ્ચાર કરીને પ્રાર્થના કરૂં છું કે તારા બઘા સેવકોને તારી કરૂણાપૂર્ણ વિઘિલેખના વૃક્ષની છાયામાં એકત્ર કર. એમને એનાં ફળ ખાવા દે. એમના કાનને પાંદડાનો મર્મર ઘ્વનિ તથા તેની શાખાઓ પર દિવ્ય પક્ષીઓના સુમઘુર કલરવ સાંભળવા દે. તું ખરેખર, સંકટોમાં મદદગાર છે અગમ્ય, સર્વશકિતમાન અને પરમ ઔદાર્યપૂર્ણ છે.

#11041
- Bahá'u'lláh

 

હે ભકતવત્સલ, હું તને ભજુ છું, તને પુજું છુ! તારાં એકત્વ અને અદ્ધિતીયતાનો હું સાક્ષી છુ. ભૂતકાળ અને વર્તમાનકાળમાં તેં કરેલા અનુગ્રહનો સ્વીકાર કરું છું. તું પરમ ઉદાર છે, તારી દયાની વૃષ્ટિ ઊંચનીચના ભેદ વિના સૌના ઉપર સમાનતાથી થઈ છે. તારી કરૂણાની આભા, આજ્ઞાપાલકો અને અવજ્ઞાકારીઓ, બન્ને ઉપર સમા રીતે પ્રકાશી છે.

હે દયાળુ ઈશ્વર, તારે બારણે દયાનાં તમામ સત્ત્વો માથું નમાવીને ઊભાં છે. તારા ઘર્મના અભયસ્થાનની ચોમેર તારી પ્રેમમય કરુણા વિલસી રહી છે. તારી અનાદિ કરુણાને અમે પ્રાર્થીએ છીએ અને તારા અત્યારના અનુગ્રહોની માગણી સાથે અમે તને પ્રાર્થના કરીએ છીએ કે તું આ પ્રાણીસૃષ્ટિમાં જે કોઈ આવ્યા છે તેમના ઉપર દયા કર અને તાર યુગમાં એમને તારી દયાના ભંડારથી વંચિત ન કર.

સૌ નિષ્કિંચન અને યાચક છે. તું સર્વસંપન્ન, સર્વનિયતા, સર્વસામર્થ્યવાનછે.

#11042
- Bahá'u'lláh

 

હે સ્વામી માર પરમેશ્વર, તું મહાન છે! તને હું પ્રાર્થના કરું છું કે તારા સેવકોનાં હૃદયોને મુખમંડળના દર્શનથી વંચિત કરે એવું સર્વ કંઈ, તારી છલકાતી કરૂણાના વાદળોમાંથી વૃષિ્ટ કરીને ઘોઈ નાખ, કે જેથી તેઓ બઘા તને ઓળખી શકે. તું જ રચયિતા અને સૃષ્ટા છે. હે પ્રભુ, જયાં દરેક પ્રકારની દુર્ગંઘને તારા ઉદત્ત અને ભવ્ય નામનું ઉદ્ગાન કરનારી વાણીની સુગંઘથી અલગ પાડી શકાય અને સ્વર્ગ તથા પૃથ્વી પરનું જે કંઈ હોય તે પ્રાપ્ત થાય તો પણ એના પ્રત્યે નજર સરખી પણ માંડયા વિના તારી સાથે એકરાગતા અનુભવાય અને તારી સ્તુતિ બંઘ રાખવાનું મન ન થાયા એવાં બિંદુએ તારા સેવકો પહોચે તેમાં તારી સાર્વભૌમ સત્તાથી સહાય કર. હે મારા પ્રિયતમ, મારા હૃદયની કામના, મારી પ્રાર્થના કાને ઘર અને તારા મુખના દર્શન માટે તલસતા તારા સેવકને નાસિ્તકોની બરછીઓથી અને તારા સત્યને નકારાઓના દંડાઓથી બચાવ. હે નાથ તારા સેવકને વર આપ કે જેથી એ તને સંપૂર્ણ સમર્પણ કરે, તારા નામની ઉદ્ઘોષણા કરે અને તારા પ્રાગટયના અભયસ્થાન પર દ્રષ્ટિ માંડે. ખરેખર, તારૂં સાનિઘ્ય ઝંખનારાને તેં કદી પણ તારી કરૂણાને બારણેથી પાછા નથી વાળ્યા. તને શોઘનારાને તારી કૃપાના દરબારમાં આવતા નથી રોકયા, તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સર્વસામર્થ્યવાન, સર્વોત્તુંગ, વિઘ્નહર્તા ભવ્યતમ, સર્વનિયંતા, બંઘનમુકત છે.

#11043
- Bahá'u'lláh

 

અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર, જેઓને ખોટા માર્ગે ચડાવી દેવાયા છે તેઓને ન્યાયી અને ઉચિત મનોદશા પ્રાપ્ત કરવામાં ઉદારભાવે સહાય કર. જેઓ બેદરકાર હોય તેમને સજા કર. હે માર નાથ! તારી કૃપાના બારણે આવવાની તારા સેવકોને મનાઈ ન કર. તારી ઉપસિ્થતિના દરબારમાંથી એમને કાઢી ન મૂક. વ્યર્થ તરંગોનું ઘુમ્મસ વિખેરવામાં, મિથ્યા કલ્પનાઓ તથા આશાઓના પરદા ચીરી નાખવામાં એમને મદદ કર. ખરેખર તું સર્વસંપન્ન, સર્વોચ્ચ છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સર્વશકિતમાન, મહાકરૂણાસિંઘુ છે.

#11044
- Bahá'u'lláh

 

હે પરમેશ્વર, માર નાથ તારો જયઘોષ કરૂં છું! તારૂં નામ લેતાં તેં તારા માર્ગદર્શનના ઘ્વજ લહેરાવ્યા અને તારી પ્રેમભીની કરુણાનો પ્રકાશ પાથર્યો તથા તારા સ્વામીત્વનું સાર્વભૌમત્વ પ્રગટ કર્યું, એજ નામનો ઉચ્ચાર કરીને હું તને પ્રાર્થના કરૂં છું. તારા લક્ષણોના સંકુલમાં પણ એ નામનો જ દિપક પ્રકાશે છે. એ નામ થકી જે તારા એકત્વનો શીતળ મંડપ અને અનાકિતનું રૂપ છે તે પ્રકાશ પામે છે; એ નામ લેતાં તારા માગદર્શનના રસ્તા જાણી શકાયા છે, પરમાનંદના માર્ગ અંકિત થયા છે. એ નામ લેતા ભૂલોના પાયા હચમચી ઊઠયા છે. તથા દુષ્ટાના સંકેતો ભુંસાઈ ગયા છે; તારા એ નામમાંથી જ્ઞાનનાં ઝરણાં વહી નીકળ્યા છે અને સ્વર્ગીય વૃષ્ટિ થવા માંડી છે. એ નામ દ્વારા તેં ચાકારોને આરોગ્ય બક્ષ્યું છે અને તારી જીવનદાયી શકિતમાં એમને ભરોસો બંઘાવ્યો છે, એમના ઉપર કોમળ અનુગ્રહો વરસાવ્યા છે અને તારી પ્રાણીસૃષ્ટિને આશીર્વાદરૂપે ક્ષમાનું દાન કર્યું છે; એ જ નામ મુખેથી ઉચ્ચારીને તને અરજ કરૂં છું કે જે દૃઢ રહ્યા છે અને તારી પાસે પાછા ફર્યા છે જે તારી દયાને આસરે છે અને તારી કૃપાના પાલવને પકડી રહ્યા છે એમના ઉપર તું સંજીવનીની વૃષ્ટિ કર અને તને સ્વીકાર્ય બને એવી એકાગ્રતા એમનામાં ભરી દે તથા તારી પ્રગાઢ શાંતિના અમીવર્ષણથી એમને નવડાવી દે.

ખરેખર તું રોગનિવારક, રક્ષક, સહાયક, સર્વશકિતમાન સર્વસામથ્યવાન, ભવ્યોદાત્ત અને સર્વાન્તયામી છે.

#11045
- Bahá'u'lláh

 

રોગ નિવારણ

તારૂં નામ મારું સ્વાસ્થય છે, હે પ્રભુ અને તારૂં સ્મરણ મારો ઈલાજ છે. તારી નિકટતા મારી આશા છે. તારા માટેનો પ્રેમ મારો સાથી છે. તારી દયા મારું આરોગ્ય છે અને આ લોક તથા પરલોકમાં મારૂં જીવનબળ છે. ખરેખર તું પરમ સમૃદ્ધીવાન, સર્વજ્ઞ, સર્વપ્રજ્ઞ છે.

#11046
- Bahá'u'lláh

 

હે પ્રભુ, હે દીનદયાળ! તારા માયાળુ ઉપચારના ક્ષીરસાગરને નામે તારા કૃપાસૂર્યને નામે, સેવકોને નિયમનમાં રાખતા તારા નામે, તારી ઉદાત્ત વાણીના સર્વસ્પર્શી સામથ્ર્યને નામે, તારી પવિત્રતમ લેખનીને નામે, સ્વર્ગ અને પૃથ્વીના જીવ–અજીવ પદાર્થોના સર્જનથી પહેલાં પણ જે અસ્તિત્વમાં હતી તે દયાને નામે હું યાચના કરું છું, હે દીનાનાથ, તારી ઉદારતાના જળથી મને બઘી જ યાતનાઓ અને અંઘાઘૂઘીમાંથી મુકિત પ્રદાન કર, મારી બઘી જ દુર્બળતાઓ અને નિર્બળતાઓનો નાશ કર.

હે મારા સ્વામી, તું જુએ છે કે જે બારણે તું દાન આપે છે ત્યાં તારો ચાહક ઊભો છે એ તારી ઉદારતાનો પાલવ પકડીને તને પામવાની આશા સેવે છે. તારી દયાના સાગરમાંથી, પ્રેમ કરૂણાના સૂર્ય પાસેથી એ જે માગે છે તે એને તું કૃપા કરીને આપ.

તું જે ઘારે તે કરી શકે છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સદા ક્ષમાવાન, અત્યંત ઉદાર છે.

#11047
- Bahá'u'lláh

 

હે જગન્નાથ, તારો મહિમા અપાર છે! એક નામે તારૂં સૌદર્ય તારા ઘર્મસિંહાસનને બિરાજમાન છે તો એક નામ થકી તું બઘામાં પરિવર્તન આણે છે અને બઘાને એકઠા કરીને એમનો હિસાબ માગે છે તથા બદલો આપે છે, બઘાને સાચવે છે, પાલન કરે છે. આ નામો દ્ધાર આ દાસીનું રક્ષણ કરવાની તને વિનંતી કરૂં છું. એ તારી પાસે આશરો લેવા આવી છે. જેનામાં તું વ્યકત થયો છે તેનું શરણું એણે લીઘું છે. એ પુરેપુરી તારે ભરોસે છે.

હે માર ઈશ્વર, એ માંદી છે અને તારા આરોગ્યરૂપી વૃક્ષની છાયામાં પ્રવેશી છે; દુઃખી છે, અને તારા દ્વારા રક્ષિત શહેરમાં ભાગી આવી છે. એ રોગિષ્ટ છે, તારા કૃપાઝરણાની ખોજ કરે છે. ઘાયલ થઈ ગઈ છે, તારી પ્રશાંતિના કૂવામાં અમીજળની તરસી છે. એને માથે પાપનું પોટલુ છે અને તારા દરબારમાં ક્ષમાયાચના માટે આવી છે. હે મારા ઈશ્વર, મારા પ્રિયતમ! એને તારી સાર્વભૌમ સત્તા અને માયાળુ ભલાઈનાં વસ્ત્રો પહેરાવ. તારા મલમ અને જડીબુટ્ટીથી એને સારવાર આપીને તારી દયા અને દાનનો પ્યાલો પીવા સમર્થ બનાવ. વળી દરેક પ્રકારની વેદના, બીમારી, દુઃખ, માંદગી અને તું ઘૃણા કરતો હોય તેવી દરેક બાબત સામે એનું રક્ષણ કર.

તું, સાચે જ તારા પોતાના સિવાય બઘાથી શ્રેષ્ઠ છે. તું, સાચે જ, રોગનિવારક, સ્વયંપર્યાપ્ત,

સંરક્ષક, સદા ક્ષમાવાન, પરમ દયાળુ છે.

#11048
- Bahá'u'lláh

 

સંઘ્યાકાળ

હે ઈશ, હે પ્રભુ! તારા પ્રેમીઓની આંખોમાં તારા વિરહને કારણે ઊંઘ ન હોય ત્યારે હું કેમ સૂઈ શકું? તારા ચાહકોના આત્મા તારાથી દૂર હોવાને કારણે વેદનામાં તડપતા હોય ત્યારે હું આડે પડખે કોમ થઈ શકું?

હે મારા સ્વામી, મેં મારો આત્મા, અરે આખું અસ્તીત્વ જ તારા સામથ્ર્ય અને રક્ષણના જમણા હાથમાં મૂકી દીઘાં છે. તારી જ શકિતના પ્રતાપે મેં ઓશિકે માથું ટેકાવ્યું છે અને તારી જ ઈચ્છા પ્રમાણે, તારી મરજી મુજબ મારૂં માથું ઉપાડું છું તું જ ખરેખર, સંરક્ષક, રખેવાળ, સર્વશકિતમાન અને મહાસામથ્ર્યવાન છે.

તારી શકિતના સોગંદ! મેં સૂતાં કે જાગતાં તું ન ઈચ્છતો હોય તેવું કશું નથી માગ્યું. હું તારો સેવક છું

હું તો તારા હાથમાં છું. તારા આનંદની સુગંઘ આવે તેવું કોઈપણ કાર્ય કરવામાં મને ઉદારતાથી મદદ કર. સાચું કહુ તો, એ જ મારી આશા છે અને તારી નજીક પહોચ્ચયા છે તેમની આશા છે. હે જગત્પતિ તારો જય હો!

#11049
- Bahá'u'lláh

 

હે મારા પ્રભુ મારા નાથ મારી ઈચ્છાઓના લક્ષ્ય! આ તારો દાસ તારી દયાના છાપરા નીચે સૂવા માગે છે, તારી કૃપાના છત્ર નીચે આરામ કરવા માગે છે અને તારી સંભાળ અને રક્ષણની યાચના કરે છે. હે મારા પરમાત્મા, તારી કદીયે ન જંપે એવી આંખોને નામે હું તારી પાસે માગું છું કે મારી આંખોંનું એવું રક્ષણ કર કે એ તારા સિવાય બીજું કશુ જ દેખે નહિ. મારી આખોનું તેજ એટલુ વઘાર કે એ તારા સંકેતોને પારખી લે અને તારા પ્રાકટયના ક્ષિતિજના દર્શન કરી શકે. તે તું જ છે કે જેના પ્રાગટયના વિરાટ રૂપ સમક્ષ મહાબળશાળીઓ પણ કંપી ગયા હતા.

તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તુ સર્વશકિતમાન સૌને પરાજિત કરનારો બંઘનહીન છે.

#11050
- Bahá'u'lláh

 

સ્તુતિ–આભાર

હે ભગવાન, મારા નાથ ! તારો મહિમા ગાઉં છું તારા સંકેતો સમગ્ર સૃષ્ટિમાં છવાયેલા છે. તારા મુખચંન્દ્રની આભાથી પૃથ્વી અને સ્વર્ગ પ્રકાશિત થાય છે. તારી કરૂણા સમગ્ર સર્જિત પદાર્થોની પાર જાય છે. તારું ઔદાર્ય સમગ્ર બ્રહ્માંડમાં પથરાયેલું છે. હું તને ભજું છું કે જેથી તારાથી મને દૂર રાખનારા બઘા અંતરાયો ચીરીને હું તારી પ્રબળ પ્રેરણાના ઉદ્ગમસ્થાન સુઘી, તારા આવિર્ભાવના તેજોમય ઝરા સુઘી પહોચી શકું અને તારી અસીમ કૃપાનાં અગણિત દાન પ્રાપ્ત કરૂં, તારી સમીપતા અને તારા આનંદના સમુદ્રમાં ડૂબકીઓ મારી શકું.

હે સ્વામી, તારા યુગમાં તારા વિશેના જ્ઞાનથી વંચિત રાખીને મને દુઃખી ન કર. તારા માર્ગદર્શનરૂપી વસ્ત્ર મારી પાસેથી ખૂંચવી ન લે. તારા ‘પરમકૃપાળું’, એવા બિરૂદની પ્રતિષ્ઠા થઈ તે સ્વર્ગભૂમિ રિઝવાન´ માંથી ઊતરેલી ઘન્ય જીવનસરિતામાંથી મને જળનું પાન કરાવ કે જેથી મારી આંખ ઊઘડે, મારો ચહેરો ચમકી ઊઠે, મારા હૃદયને ઘરપત મળે, મારા આત્મામાં જ્ઞાનનાં´ અજવાળાં પથરાય અને મારાં ચરણોમાં દ્રઢતા આવે.

તું અનાદિ કાળથી જ પોતાની શકિતના બળે સમગ્ર ભૂતસૃષ્ટિ કરતાં સર્વોપરિ રહ્યો છે અને પોતાની ઈચ્છાથી પ્રેરિત થઈને સકળ પદાર્થો બનાવ્યા છે. આ પૃથ્વીના પટ ઉપર કે નભોમંડળમાં તારા હેતુને નિષ્ફળ બનાવે એવું કશું જ નથી. તો હે મારા સ્વામી, તારી કરૂણાભીની કૃપા અને ઉદારતાથી મારા ઉપર દયા કર. તાર એકત્વરૂપી વૃક્ષની જુદી જુદી ડાળીએ બેસીને તારી સ્તુતિ કરતાં પંક્તિઓનાં મઘુર ગાન સાંભળવા માટે મારા કાનને પ્રેરિત કર.

તું મહાન દાતા છે, સદા ક્ષમાવાન છે, અત્યંત કરૂણામય છે.

#11051
- Bahá'u'lláh

 

હે મારા પ્રભુ, તાર નામનાં ગુણગાન થાઓ ! હું વિશ્વાસપૂર્વક કહું છું કે તાર સિવાય બીજો કોપણ વિચાર ગમે એટલો ચમત્કૃતિપૂર્ણ હોય, એ તારી જ્ઞાનગંગાને કાંઠે ન પહોચી શકે. તારા ગુણગાન ગમે એટલા પારગામી હોય એ તારા શાણપણના વાતાવરણ સુઘી ઊંચે ન જઈ શકે. તું અનાદિકાળથી તારા સેવકોની પહોંચ અને સમજશકિતની બહાર રહ્યો છે, અને તારૂં રહસ્ય વ્યકત કરવા મથતા તારા સેવકોના પ્રયત્નોથી તું અમાપ અંતરે ઉંચે ઉભો છે. જે કદી સર્જાયો નથી તેની સમક્ષ આવે ત્યારે માનવી પોતાનામાં કયા પ્રકારનું સામર્થ્ય હોવાનો દાવો કરી શકે ?

તારા અદ્વૈતત્વને પૂજનારા અને તને પિછાણનારા એ સૌ કોઈના ગહનતમ ચિંતન પણ તારા આદેશથી અને તારી કલમ ચાલવાથી જે નીપજયું છે તે ફકત તારી જ ઈચ્છામાંથી જન્મ્યું છે. હે મારા આત્માના પ્રિયતમ અને મારા જીવનસ્ત્રોત, હું તારી ભવ્યતાના સોગંદ ખાઈને કહું છું! તારી મહાન ભવ્યતાના અને રાજસિક પ્રતિભાની ચરમસીમાની સ્તુતિ, હું ફકત મારી નબળાઈના કારણે, મારા ગજા પ્રમાણે કરૂં છું તે હું સારી રીતે જાણું છું; સમગ્ર સર્જિત પદાર્થોથી ઉત્તમ તારી દયા અને સમગ્ર સૃજનમાં વ્યાપ્ત તારી કરુણાને નામે તને પ્રાર્થના કરૂં છું કે તારા દાસો તારા માર્ગે જેટલું ચાલી શકવા સમર્થ છે તેટલાનો સ્વીકાર કર. એ લોકો તારી વાણી ઉચ્ચારી શકે અને તારી કિર્તિનાં ગુણગાન કરી શકે તેમાં તારી અસીમ કૃપાથી સહાય કર.

તું જે ઘારે તે કરી શકે છે. તું ખરેખર સર્વથા ભવ્ય, સર્વપ્રજ્ઞ છે.

#11052
- Bahá'u'lláh

 

હે મારા નાથ, મારા પ્રભુ, તારાં યશોગાન ગવાય ! તારૂં ઘામ એટલું ઊંચે આવેલું છે અને તારી શકિત એટલી તો અમાપ છે કે તારા નામનો જાપ કરવા માગું છું ત્યારે એમાં અંતરાય આવે છે, કારણ કે તારા આખા સામ્રરાજયમા પ્રસરે તેટલાં તારા યશોગાન કરૂં તો પણ મને જણાઈ આવશે કે તારી પ્રશંસા માટે મેં ઉચ્ચારેલા શબ્દો ફકત મારા જેવા જ માણસોને લાગુ પડતા હશે, જે પોતે પણ તારા જ બનાવેલા છે અને જે તારા આદેશના સામર્થ્યથી સર્જાયા છે તથા તારી ઈચ્છા શકિતથી એકનો મહિમાં આલેખવા બેસે છે ત્યારે એ આલેખન તારા સ્વરૂપથી કેટલું ઊચું છે તે વિશે મારી કલમનું કલ્પાંત હું સાંભળી સમજી શકું છું હું ખાત્રીપૂર્વક કહું છું કે તારા સિવાયનું બીજું સર્વ કંઈ તારૂં સૃજન છે અને તારી હથેળીના પોલાણમાં જ એ વસે છે. તું તારા પ્રાણીઓના કાર્યો અને સ્તુતિઓનો સ્વીકાર કરે છે તે જ તારી કૃપા, ઉદાર અનુગ્રહના ચમત્કારનું, તારા ઔદાર્ય અને વિઘાનનાં અભિવ્યકિતની સાબિતી સમાન છે.

હે મારા નાથ, તે તારા જે મહાનતમ નામે પ્રકાશને અગ્નિથી અને સત્ને અસત્થી છૂટું પાડયું તેનો ઉચ્ચાર કરીને હું તને આજીજી કરૂં છું કે તું મારા પર અને મારા પ્રિયજનો પર આ લોક અને પરલોકનાં ઉત્તમોત્તમની વૃષ્ટિ કર. પછી માનવચક્ષુ સમક્ષ કદીયે પ્રગટ થઈ ન હોય એવી અદ્ભૂત ભેટસોગાદો અમને આપ. ખરેખર તું જ સમગ્ર સૃષ્ટિનો રચયિતા છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સર્વશકિતમાન, સર્વથા ભવ્ય અને ઉચ્ચત્તમ છે.

#11053
- Bahá'u'lláh

 

હે સર્વોન્નત પરમાત્મા !

હે સ્વામી, હે સર્વશકિતમાન પ્રભુ! તું મહિમાવાન અને ઉદત છે. તારા શાણપણ આગળ શાણાનું શાણપણ ઓછું પડે છે અને નિષ્ફળ નિવડે છે. તારા જ્ઞાન આગળ જ્ઞાનીઓ પણ પોતાનું અજ્ઞાન કબૂલે છે. તારા બળ આગળ બળવાન પણ નિર્બળ છે. તારી સંપતિ પાસે શ્રીમંત પણ પોતાને દરિદ્ર માને છે. તારા પ્રકાશ પાસે પ્રબુદ્ધ વ્યકિત પણ અંઘકારમાં ખોવાઈ જાય છે. તારા જ્ઞાનમંદિરમાં બઘી જ સમજણનો સાર સમાયો છે. તું જયાં ઉપસ્થિતિ છે તે ઘામની આસપાસ સમગ્ર માનવજાત પ્રદક્ષિણા કરે છે.

હું તારા સારતત્ત્વનો મહિમાં કેવી રીતે ગાઉં? શાણાઓનું શાણપણ અને જ્ઞાનીઓનું જ્ઞાન પણ એ સમજવામાં અસફળ થયા છે. સાચે જ, કોઈ પોતે જે સમજી ન શકે તે કેમ ગાઈ શકે? જયાં પોતે પહોંચી ન શકે તેનું વર્ણન ન કરી શકે. બીજી બાજું, તું તો અજરામર, અગમ્ય અને અગોચર જ રહ્યો છે. હું તારી ભવ્યતાના સ્વર્ગ સુઘી ભલે ને પહોંચી શકવા અસમર્થ હોઉં, તારા જ્ઞાનપ્રદેશમાં પ્રવેશ કરી શકું તેમ ન હોઉં છતાં પણ હું તારી એ રચનાઓનું વર્ણન કરી શકું છું જે તારી ભવ્ય કૃતિની કહાણી કહે છે.

તારી ભવ્યતાના સોગંદ! સૌનાં હૈયાંના હાર, તું જ એકલો એવો છે કે જે તારા માટેની ઝંખનાની વેદના શાંત કરી શકે! જે સંકેતો દ્વારા તું વ્યકત થાય છે તેમાંથી ઓછામાં ઓછા સંકેતોની મહત્તા દર્શાવવા માટે સ્વર્ગ અને પૃથ્વીના નિવાસીઓ સાથે મળીને પ્રયત્ન કરે તો પણ તેએા નિષ્ફળ જવાના છે તો તારા પવિત્ર શબ્દ અને તારા બઘા જ સંકેતોની પ્રશંસા કરવાનું કેટલું અઘરું હશે!

તારી મહત્તા અને ભવ્યતા સૌ ગાતા રહે! સમગ્ર પ્રાણીસૃષ્ટિ સાક્ષી છે કે તું એક જ છે અને તારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. તું અનાદિકાળથી અજોડ છે અને અનંતકાળ સુઘી રહશે. બઘાં જ સમ્રાટો તારા દાસ સમાન છે અને બઘા જ દ્રશ્ય તથા અદ્રશ્ય જીવો તારી આગળ શૂન્ય સમાન છે.

તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું પરમ કૃપાળુ મહાસમર્થ અને સર્વોન્નત છે.

#11073
- `Abdu'l-Bahá

 

સભાઓ

હે કૃપાનાથ, આ સભામાં એકત્ર થયેલા આ સૌ તારા જ સેવકો છે. તેઓ તારા સામ્રરાજય ભણી વળ્યા છે. એમને તારા વરદાન અને આશીર્વાદની આવશ્યકતા છે. હે પ્રભુ! તું પ્રગટ થા અને તારા એકત્વના સંકેતો સ્પષ્ટ કર. તારું એકત્વ તો જીવનની બઘી જ યથાર્થતાઓમાંથી પ્રગટ થાય છે. આ માનવીય વાસ્તવિકતાઓમાં તેં છુપાવેલા, છાવરેલા ગુણોને પ્રગટ અને વ્યકત કર.

અમે છોડ જેવા છીએ અને તારી કૃપા વરસાદ જેવી છે. આ છોડો ફૂલેફાલે અને તાજા થાય તેવું વરદાન આપ. અમે તારા સેવક છીએ; અમને ભૌતિક અસ્તિત્વનાં બંઘનોમાંથી છોડાવ. અમે અજ્ઞાની છીએ; અમને જ્ઞાની બનાવ. અમે મરણ પામ્યા છીએ; અમને નવજીવન આપ. અમે પદાર્થ છીએ; અમારામાં ચેતનનો સંચાર કર. અમે અનભિજ્ઞ છીએ; અમને તારા રહસ્યોના નિકટના જાણકાર બનાવ. અમે યાચક છીએ; તારા અબાઘ ખજાનામાંથી અમને સમુદ્વ બનાવ. હે ઈશ્વર, અમને નવું જીવન આપ, દ્રષ્ટિ આપ, શ્રવણશકિત આપ. જીવનનાં રહસ્યોનો અમને પરિચય કરાવ કે જેથી તારા સામ્રાજયનાં રહસ્યો અસ્તિત્વના આ સંસારમાં અમારી સમક્ષ પ્રગટ થાય. અમે કબુલ કરીએ છીએ કે તું એક અને અદ્વિતીય છે. પ્રત્યેક અનુગ્રહ તારા તરફથી જ આવે છે. દરેક કૃપાનું સ્ત્રોત તું જ છે. તું શકિતશાળી છે ! તું સમર્થ છે ! તું દાતા છે ! તું સદાસર્વદા સંપન્ન છે!

#11068
- `Abdu'l-Bahá

 

હે ક્ષમાવાન ઈશ્વર ! આ તારા સેવકોએ તારા રાજયની વાટ પકડી છે. તેઓ તારી કૃપા અને ઉદારતા ઝંખે છે. હે પ્રભુ! તેઓ તારા પ્રેમને પાત્ર બને તે માટે એમનાં હૃદયોને શુદ્ધ અને નિર્મળ બનાવ. એમના આત્માઓને પવિત્ર કર કે જેથી સત્યનો સૂરજ એમનામાંથી આરપાર પ્રકાશી શકે. તારો પ્રકાશ તેઓ જોઈ શકે તે માટે એમના નેત્રોને શુદ્ધ કર, પવિત્ર બનાવ. તારા દિવ્ય સામ્રરાજયનો સંદેશ સાંભળી શકે તે માટે એમના કાનને શુદ્ધ કર, પવિત્ર બનાવ.

હે નાથ! અમે ખરેખર નિર્બળ છીએ પરંતુ તુ સબળ છે. અમે ગરીબ છીએ પરંતુ તું શ્રીમંત છે. અમે શોઘનારા છીએ અને તું, જેને સૌ શોઘે છે, તે છે. હે સ્વામી! અમારા ઉપર દયા કર અને અમને માફ કર. અમને વરદાન દે કે અમે તારા અનુગ્રહો ઝીલીએ, તારા દિવ્ય સામ્રાજય તરફ આકર્ષાઈએ, તારા પ્રેમાગ્નિથી પ્રદીપ્ત થઈએ અને તારી આ દીપિ્તમાન શતાબ્દીમાં તારી પવિત્ર પ્રાણફૂકથી નવજીવન પ્રાપ્ત કરીએ, એવી અમને શકિત અને સજજતા મળે.

હે ઈશ્વર! હે પરમેશ્વર! આ સભા ઉપર તારી પ્રેમાળ કૃપા દૃષ્ટિ નાખ. તારી સુરક્ષાના કિલ્લામાં બઘાંનું રક્ષણ કર, એમના પર તારા આશીર્વાદો વરસાવ, તારા કૃપાસાગરમાં ડુબાડ અને તારી પાવન ચેતનાથી નવજીવન પ્રદાન કર.

તું સમર્થ છે! તું સર્વશકિતમાન છે! તું દયાળુ છે! તું પરમ ઉદાર છે!

#11069
- `Abdu'l-Bahá

 

એ જ છે પરમેશ્વર !

હે સ્વામી, મારા ઈશ્વર, મારા પ્રાણેશ્વર! આ તારા સેવકો છે. એમણે તારો દિવ્ય સંદેશ સાંભળ્યો છે. તારી પાવન વાણી એમને કાને પડી છે અને તારી હાકલ સાંભળીને તેઓ ઊઠયા છે. એમણે તારામાં શ્રદ્ધા રાખી છે, તારા અદ્ભૂત સ્વરૂપના એ સાક્ષી છે. તારી સાબિતીઓને એમણે માની છે. તારા વિશેના પુરાવાઓ સાચા છે. એવું એમણે કહ્યું છે તેઓ તરે માર્ગ ચલ્યા છે. તારા પથપ્રદર્શનનું અનુસરણ કર્યું છે. એમણે તારાં રહસ્યો ખોળી કાઢયાં છે, અને તારા પવિત્ર ગ્રંથના ગોપિતાર્થો, તારા આખ્યાનનાં કાવ્યો, તારા ઉદ્ગારો અને પત્રીઓને તેઓ બરાબર સમજયાં છે. તારી જયોતિ અને ભવ્યતાના ઉપવસ્ત્રનો છેડો એમણે પકડી લીઘો છે. તારી સંવિદામાં એમનાં કદમો દ્ઢતાથી મંડાય છે. તારા પાવન આદેશપત્ર વિશે એમનાં હૃદયોએ દ્ઢતા ઘારણ કરી છે. નાથ! એમનાં હૈયામાં તારા દિવ્ય આકર્ષણની જયોત જગાવી દે. તથા પ્રેમ અને સમજણના પક્ષીને એમના હૃદયોમાં ગીત ગાતું કરી દે. તેઓ તારી પવિત્ર વાણી જેવા જ સચોટ સંકેત, ભવ્ય ઘ્વજ અને પરિપૂર્ણ બને એવા આશીર્વાદ આપ. એમના મારફતે તારા ઘર્મનું ઉત્થાન કર. તારી યશપતાકાઓ ફરકાવ અને દૂરસુદૂર તારી ભવ્યતાનો પ્રસાર કરાવ. એમના મારફતે તારા મહાન ઘર્મને વિજયી બનાવ. તારા પ્રિયજનોની પીઠ મજબૂત કર. તારા નામનો મહિમા ગાવામાં એમની જીભને નિરંકુશ બનાવી દે. તારી પવિત્ર ઈચ્છા અને આનંદ સિદ્ધ કરવામાં એમને પ્રેરણા આપ. તારા પવિત્ર સામ્રાજયમાં એમના મુખમંડળ પર દીપિત રેખાઓ અંકિત કરી દે અને તારા ઘર્મના વિજય માટે તત્પર થવામાં એમને મદદ કરીને એમના આનંદમાં વૃદ્ધિ કર.

હે જગતના નાથ ! અમે અશકત છીએ, તારી પવિત્રતાની કસ્તુરીની સુવાસ ફેલાવવા માટે એમને સશકત બનાવ. અમે નિર્ઘન છીએ, તારા દૈવી એકત્વના રાશિમાંથી અમને ઘનસંપન્ન બનાવ. અમે નગ્ન છીએ, અમને તારી વિપુલતાનાં વસ્ત્રો પહેરાવ. અમે પાપી છીએ, કરુણા, અનુગ્રહ અને ઉદારતાથી અમને ક્ષમા કર. તું ખરેખર સહાયક, મદદગાર, કરુણામય, શકિતવાન અને સમર્થ છે. જે દ્રઢ અને અડીખમ રહે એમને ભવ્યતાઓની ભવ્યતા પ્રાપ્ત થાય છે.

#11070
- `Abdu'l-Bahá

 

સંરક્ષણ

એ કરૂણાસાગર છે! પૂર્ણ ઉદાર છે! હે પ્રભુ, મારા પરમેશ્વર! તું મને જુએ છે; જાણે છે; તું મારો આશ્રય અને શરણું છે. તારા સિવાય બીજું કદીયે મેં માગ્યું નથી અને માગવાની ઈચ્છા પણ નથી; તારો પ્રેમપંથ છોડીને બીજા કોઈ માર્ગે હું કદાપિ ચાલ્યો નથી કે ચાલવા માગતો પણ નથી. દુઃખની અંઘારઘેરી રાતમાં મારી આંખો આસ્થા અને આશા ભરી નજરે તારી અનંત કૃપાના પ્રભાતની ક્ષિતિજમાં મંડાય છે અને અરુણોદય થતાં જ મારો ઊંઘરેટો આત્મા નવસ્ફૂર્તિમય રહે છે અને તારાં સૌદર્ય અને પરિપૂર્ણતાને યાદ કરીને બળ પ્રાપ્ત કરે છે. તારી કૃપાની મહેરથી નાનુંસંરખુ ટીપું પણ એક અનંત નિર્બાઘ સમુદ્ર બની રહશે, નાનો કણ પણ તારી પ્રેમકૃપાની છાલક લાગવાથી ચમકતા સિતારા જેમ પ્રકાશી ઊઠશે.

હે પાવક પરિશુદ્ધ, તારા રક્ષણમાં અમને આશ્રય આપ. તું સર્વસપદાવાન પાલક છે. આ તારો ઉત્સાહથી થનગનતો દાસ છે. એને આ જીવન સૃષ્ટિમાં તરા પ્રેમમાં અવિચળ અને દૃઢ રહેવામાં મદદ કર. આ તુટેલી પાંખવાળું પંખી સ્વર્ગીય વૃક્ષ પરના તારા દૈવી માળમાં આશરો લે તેની પરવાનગી આપ.

#11071
- `Abdu'l-Bahá

 

હે મારા નાથ ! તને ખબર છે કે લોકો દુઃખ અને આફતથી ઘેરાયેલા છે. કઠણાઈઓ, મુશ્કેલીઓ એમની ચેપાસ ફેલાયેલી છે. કસોટી અને કપરી આફત માણસ ઉપર એક સાપની જેમ હુમલા કરે છે. એની પાસે તારા રક્ષણ, જતન, તકેદારી અને સુરક્ષા સિવાય બીજું કોઈ આશ્વાસન નથી, શરણ નથી.

હે દયાળુ, હે મારા સ્વામી! તારું રક્ષણ મારું શસ્ત્રગાર બનો, તારું જતન મારી ઢાલ બનો. તારા એકત્વના દરવાજે મારી વિનમ્રતા મારી રખેવાળ બનો અને તારી સુરક્ષા અને સંરક્ષણ મારો ગઢ, મારું ઘર બનો. મારા અહં અને લાલસાઓના આવેશથી મને બચાવ. દરેક જાતની માંદગી, કસોટીઓ, મુશ્કેલીઓ અને આફત સામે મારી રખેવાળી કર.

ખરેખર તુંજ રક્ષક, સંરક્ષક, દાતા છે. ખરેખર તું અતિ દયાવાનોમાં પણ દયાવાન છે.

#11072
- `Abdu'l-Bahá

 

સંવિદા

હે નાથ ! તારા પથ પર અમારા ચરણોને સ્થિરતા પ્રદાન કર. તારી આજ્ઞાના પાલન માટે અમારાં હૃદયોને મજબૂત કર. તારા અદ્વૈત સૌદર્ય પ્રત્યે અમને આકર્ષિત કર. દૈવી એકત્વના સંકેતોથી અમારા હૈયામાં હર્ષ ઉત્પન્ન કર. અમારાં શરીરોને તારી ઉદારતાના વસ્ત્રોથી સજાવ. અમારી આંખ આડેથી પાપવૃત્તિનાં પડળ હટાવી દે. અમને તારી કરુણાના અમૃતનું પાન કરાવ કે જેથી બઘા જ જીવનું આદિરૂપ તારી ભવ્યતાને નીરખીને તારા ગુણ ગાય. હે સ્વામી! તારા દયાપૂર્ણ ઉદ્ગારો અને દૈવી સ્વરૂપનાં રહસ્યો એમની સમક્ષ વ્યકત કર કે જેથી તારી પ્રાર્થનાનો પવિત્ર આહ્લાદ અમારા આત્માઓને ભરી દે. એ પ્રાર્થના શબ્દો અને અક્ષરોના સ્તરથી કંઈક વિષેશ હશે, અને આરોહ અવરોહ તથા ઘ્વનિના સ્પંદનોની પેલે પાર હશે કે જેથી અદ્ભૂત આભાયુકત પ્રાકટય પહેલાં સકળ પદાર્થજગત શૂન્યમાં વિલીન થઈ જાય.

હે નાથ! આ તારા સેવકો તારી સંવિદા અને આદેશપત્ર પ્રત્યે દ્ઢનિષ્ટ રહ્યા છે. આ સંવિદા તારા ઘર્મના સાતત્યના તાણા અને વાણા સમાન છે. આ સેવકોએ તારા ભવ્યતમ વસ્ત્રનો પાલવ પકડી રાખ્યો છે. હે સ્વામી! એમના ઉપર કરૂણા કરીને સહાય આપ. તારા સામથ્ર્ય થકી એમને આશીર્વાદ આપ અને તારી આજ્ઞાના પાલનમાં એમને અડગ બનાવ. તું ક્ષમાવાન, દયાળું છે.

#11074
- `Abdu'l-Bahá

 

હે પ્રભુ! મારા પરમેશ્વર! તારા આસ્થાવાન સેવકોને અહંભાવ અને આવેગના દૂષણોથી બચાચી લે.બઘા પ્રકારના વેરઝેર, ઘૃણા, અદેખાઈ સામે તારા માયાળુ પ્રેમની જાગરૂક દૃષ્ટિથી એમનું જતન કર. તારા ઘર્મના અજેય ગઢમાં એમને આશરો આપ અને સંશયની બરછીઓથી સહીસલામત રાખીને એમને તારા ભવ્ય સંકેતોના અભિવ્યકત રૂપ સમાન બનાવી દે. તારા દૈવી એકત્વના ઉદયાચલમાંથી પ્રગટતાં દિવ્ય રશિ્મઓથી એમનાં મુખોને કાંતિમાન બનાવ. તારા પવિત્ર રાજયમાંથી પ્રગટતાં કાવ્યોથી એમનાં હૃદયોમાં હર્ષનો સંચાર કર. તારા ભવ્ય પ્રદેશમાંથી આવતાં સર્વજિત સામથ્ર્યથી એમને પુષ્ટ બનાવ. તું પરમ ઉદાર, રક્ષક, સર્વશકિતમાન, કરૂણાસાગર છે!

#11075
- `Abdu'l-Bahá

 

Occasional

અઘિક દિવસો

(અઘિક દિવસો દરમ્યાન ઉપવાસની તૈયારી કરવી જોઈએ. આ દિવસો આતિથ્ય, દાન અને ભેટસોગાદો આપવા માટે છે. આ દિવસો આતિથ્ય, દાન અને ભેટસોગાદો આપવા માટે છે. બહાઈ પંચાગ અનુસાર 26મી ફેબુ્રઆરીથી 1લી માર્ચ અઘિક દિવસો ગણાય છે. )

હે પરમાત્માં, હે મારા અગ્નિ, હે મારા પ્રકાશ! તે જેનું ‘અય્યામે હા’–‘હા’ ના–દિવસો*( અઘિક દિવસો´) એવું નામાભિધાન તારા પવિત્ર ગ્રંથમાં કર્યું છે એ દિવસો આવી પહોચ્યા છે અને હે સર્વ નામોના સમ્રાટ, તારી મહાલેખિનાએ તારા સુષ્ટીસામ્રરાજયના સઘળા વાસીઓ માટે અંકિત કરેલા ઉપવાસના દિવસો નિકટ આવે છે. હે નાથ, આ દિવસોમાં અને આ સમયગાળા દરમ્યાન જેમણે તારા આદેશોને દ્ઢતાથી અમલમાં મૂકયા છે તેમના નામે, જેમણે તારા આદેશોને ગ્રહણ કરી રાખ્યા છે તેમના નામે, તને પ્રાર્થન કરું છું, કે તેઓ સર્વને તારા દરબારનાં ખંડમાં સ્થાન મળે, તારા મુખપંકજના તેજોમય પ્રાગટય સમક્ષ આસન મળે!

હે નાથ, આ બઘા તારા દાસ છે. તારા પવિત્ર ગ્રંથ દ્વારા તેં એમના જે કાંઈ નિર્દેશ કર્યો છે તેનાથી તેમને કોઈ પણ ભ્રષ્ટ વૃત્તિ વિચલિત નથી કરી શકી. તેઓ તારા ઘર્મને શરણે આવ્યા છે, અને તારા પવિત્ર ગ્રંથને એવા દ્ઢ સંકલ્પથી આવકાર્યો છે કે જે સંકલ્પનો તું પોતે જન્મદાતા છે તથા તેં જે નિશ્ચિત કર્યું છે તેને અનુસરવાનું એમણે પંસદ કર્યું છે.

હે નાથ, તું જૂએ છે કે તે તારા પવિત્ર શાસ્ત્રો દ્વારા જે વ્યકત કર્યું છે તેને એમણે માન્ય રાખ્યું છે અને કબૂલ કર્યું છે. હે મારા સ્વામી, એમને તારા વરદ હસ્તની અંજલીમાંથી તારી અમરતાનું પાન કરાવ. પછી એમને તારા સક્ષાત્કારના સમુદ્રમાં જે નિમગ્ન થયા હોય, તારા મિલનના સર્વોત્તમ આસવનું પાન કર્યું હોય તેવા બઘા માટે નિશ્ચિત કરાયેલા ઉપહાર એમને પણ પ્રદાન કર.

હે પ્રભુ, સમ્રાટોના સમ્રાટ, દીનદુખિયાના તારણહાર, એમને ઈહલોક અને પરલોકમાં કંઈ સર્વોત્તમ છે તે આપ એવી મારી પ્રાર્થના છે. વળી આજ સુઘી તારાં કોઈ પ્રાણીએ પ્રાપ્ત ન કર્યું હોય તેનું એમના માટે વિઘાન કર; જેમણે તારી પરિક્રમા કરી હોય, જે તારા બઘા જ લોકમાંથી પ્રત્યેકમાં માત્ર તારા સિહાસનની નિકટ રહેતા હોય તેવા લોકોની શ્રેણીમાં એમને સ્થાન આપ.

ખરેખર તું સર્વશકિતમાન, સર્વજ્ઞ, સર્વાન્તર્યામી છે.

#11077
- Bahá'u'lláh

 

ઉપવાસ

(ઉપવાસ વર્ષમાં એક વાર ઉપવાસનું વ્રત રાખવામાં આવે છે. એ બહાઈ વર્ષના ‘અલ્લા’ ઉદારતા´ના મહિનામાં, એટલે કે બીજી માર્ચથી વીસમી માર્ચ સુઘી છે. આ દિવસોમાં સુર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે ખાદ્ય કે પેય પદાર્થ મ લેવા. એ પ્રાર્થના અને આઘ્યાત્મિક નવસ્ફૂતિનો સમય છે. પંદર વર્ષથી નાની ઉંમરના બાળકો, મુસફરો, માંદા, અશકત તેમ જ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને ઉપવાસ રાખવાની ફરજ નથી.)

તારી સ્તુતિ હો, હે મારા સ્વામી, મારા ઈશ્વર! તારા ઘર્મપ્રગટિકરણના નામ પર કે જેથી અંઘકાર પ્રકાશમાં બદલાઈ ગયો છે, જેથી પ્રાગટય શીલમંદિરનું નિર્માણ થયું છે, લિખીત પવિત્ર પત્રી પ્રગટ થઈ છે અને સુવિસ્તૃત નામાવલિનું અનાવરણ થયું છે. તે નામથી હું તારી યાચના કરું છું કે, મારા ઉપર તેમજ મારા સાથીઓ ઉપર તારી એ દયાવૃષિ્ટ કર, જેથી અમે તારી પારગામી ભવ્યતાના મહિમામય સ્વર્ગમાં આરોહણ કરી શકીએ તથા એવી શંકાઓના કલંકથી મુક્ત રાખ જેના કારણે સંશયાત્માઓ તારા એકત્વનાં મંડપની છાયામાં પ્રવેશી શકયા નથી.

હે દીનાનાથ, હું એ છું કે જેણે સદાય તારી પ્રેમકરુણાનો તંતુ, તારી કૃપા અને અનુગ્રહનો પાલવ પકડી રાખ્યો છે. મને તથા મારા આપ્તજનોને ઈહલોક તથા પરલોકમાં જે વરણીનો કળશ જેના ઉપર ઢોળાયો હોય તેવા લોકો માટે તેં નકકી કરેલી ગુપ્ત ભેટસોગાદો મારા આપ્તજનોને પણ પ્રદાન કર.

હે મારા સ્વામી, તે તારા સેવકોને આ દિવસોમાં ઉપવાસ રાખવાનો આદેશ આપ્યો છે. ભાગ્યશાળી છે એ જે કેવળ તારા માટે અને તારા સિવાય સકળ પદાથર્ોના રાગથી મુકત થઈને, સંપૂર્ણરીતે અનાસક્ત થઈને ઉપવાસ રાખે છે. તારી આજ્ઞાઓનું પાલન કરવામાં અને તારા આદેશો અનુસાર ચાલવામાં મને અને એ લોકોને, હે મારા સ્વામી સહાય કર. નિસંદેહ તું ઘારે તે કરવા સમર્થ છે.

તારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. તું સર્વજ્ઞ, પૂર્ણપ્રજ્ઞ છે. સર્વ લોકના સ્વામી પ્રભુનો જય હો!

#11078
- Bahá'u'lláh

 

નવરોઝ

બહાઈ વર્ષનો પહેલો દિવસ નવરોઝ 21મી માર્ચ આનંદમંગળનો દિવસ છે.

હે કૃપાનિઘાન, તારા પ્રત્યેના પ્રેમથી જેમણે ઉપવાસ રાખ્યા અને તો જે કંઈ ઘૃણાસ્પદ હોય તેવું કઈ છે તેનાથી જે દૂર રહ્યા તેમના માટે તેં નવરોઝનો તહેવાર આપ્યો તે માટે અમે તારાં ગુણ ગાઈએ છીએ. હે મારા નાથ, તું વરદાન દે કે તેં સૂચવેલા ઉપવાસથી પ્રગટ થયેલી પ્રેમાગિ્નની ઉષ્ણતા એમને તારા ઘર્મમાં જયોત સમાન બનાવે અને તેઓ તારી જ સ્તુતિ અને તારાં જ ગુણગાન કરતા રહે. હે મારા નાથ, તેં એમને તારા દ્વારા નિર્દિષ્ટ ઉપવાસોથી સુશોભિત કર્યા છે તો હવે કરુણા અને અસીમ કૃપા દાખવીને એમને તારી સ્વીકૃતિના અલંકારોથી પણ મંડિત કર, કારણ કે મનુષ્યનું દરેક કર્મ તારી જ કૃપા પર નિર્ભર છે, તારી જ આજ્ઞા પર આઘિન છે. જેણે ઉપવાસ તોડયા હોય, તેમના માટે જો તું એમ કહે કે એમણે ઉપવાસ રાખ્યા છે , તો એમની ગણતરી અનાદીકાળાી ઉપવાસ રાખવામાં થશે. અને જેમણે ઉપવાસ રાખ્યો હોય તેમના માટે જો તું એમ કહે કે એમણે ઉપવાસ તોડયા છે, તો એમની ગણતરી તારા પ્રાકટયના અંગવસ્ત્રને ઘૂળમાં રગદોળનારામાં થશે અને તેઓ તારા આ જીવનદાતા ઝરાથી ખૂબ દૂર હોવાનું કહેવાશે.

“ તારું કામ કરે તે સ્તુતિને પાત્ર છે” એવી પતાકા ઊંચે ઊઠી, તારા આદેશને આઘીન હોય તે જ આજ્ઞાકારી છે એવો ઘ્વજ જેના થકી લહેરાયો તે તું જ છે. હે મારા ઈશ્વર, તારા સેવકોને તારા આ પરમ ઘામથી પરિચિત કરાવ કે જેથી તેઓ સમજી શકે કે બઘા જ પદાથર્ોની સવર્ોત્કૃષ્ટતા તારા આદેશ અને તારા પરમ પાવન શબ્દની ઉપર નિર્ભર છે. તારી ઈચ્છા વગર થયેલું પ્રત્યેક કાર્ય ગુણહીન છે અને માણસના. કાર્યોની લગામ, તારા સ્વીકાર અને આદેશના હાથમાં છે. હે નાથ, તું એમને જણાવી દે કે તારા પરમ સૌંદર્યથી એમને વંચિત કરી શકે એવું આ યુગમાં કશું જ નથી. જેમ કે ઈસુએ કહયુ હતું “ સર્વત્ર તારું જ સામ્રરાજય છે, હે આત્મા*(ઈસુ)ના જનક” અને આ વિશે તારો મિત્ર *(મહંમદ) પોકારી ઊઠયો, “હે સવશ્રેષ્ઠ પ્રિયતમ તારો મહિમા પ્રસરો, કેમકે કેમકે તે તારું સૌદર્ય પ્રગટ કયું છે અને એવું લખ્યું છે કે તારા પ્રિયજનો શી રીતે તારા મહાનતમ નામના પ્રાગટય સમક્ષ આસન પ્રાપ્ત કરી શકશે. આ તારા મહાનતમ નામના પ્રાગટયથી જેમણે પોતાને તારા સિવાય બીજા બઘાથી વીતરાગ કરી દીઘા છે અને તારા સ્વરૂપ અને તારા ગુણોને પ્રગટ કરનાર *(ઈશ્વરીય અવતાર) તરફ વળ્યા છે. તેના સિવાયના બીજા બઘા લોકો કલ્પાંત કરી રહયા છે. જે તારી પરમ મહાન શાખા છે તેને અને તારા બઘા મિત્રોએ તારા દરબારમાં ઉપવાસના વ્રતનું પાલન કરીને આજે પારણા કર્યા છે આ ઉપવાસ તેઓ તારી સુપ્રસન્તા માટે, તારા આદેશોને પાલન માટે કર્યા હતા એમના માટે તથા એ દિવસોમાં જે તારા સાનિઘ્યમા આવ્યા છે તે સૌના માટે તારા પવિત્ર ગ્રંથમાં તે જે કંઈ નિશ્ચિત કર્યું છે તેનું મંગલ વિઘાન કર. પછી એમને આ જીવનમાં તેમજ અગામી જીવનમાં લાભકારક હોય તે પ્રદાન કર.

તુ ખરેખર, સર્વજ્ઞ, સર્વપ્રજ્ઞ છે.

#11079
- Bahá'u'lláh

 

Tablets

અહમદની પત્રી

એ સમ્રાટ છે સર્વજ્ઞ છે, પ્રજ્ઞાનિઘિ છે.

જુઓ, સ્વર્ગનું બુલબુલ અમરત્વના વૃક્ષની ડાળી પર બેંઠું પવિત્ર મીઠડાં ગીત ગાય છે, ભક્ત જનોને ઈશ્વરના સાનિઘ્યના શુભ સમાચારની ઘોષણા કરી રહેલ છે, દૈવી એકતામાં શ્રદ્ધા રાખનારાઓની પરમ ઉદારતાના દરબાર સમક્ષ ઉપસ્થિત થવાનું આમંત્રણ આપી રહેલ છે, જે વિખુટા પડી ગયા છે તેમને માટે સર્વાઘિપતિ, મહાન કીર્તિવત, અજોડ પરમાત્માએ પ્રગટ કરેલા સંદેશના સમચાર સંભળાવી રહેલ છે અને પ્રેમીજનોને પવિત્રતા અને અભૂતપૂર્વ સૌદર્યના આ ઘામ સુઘી પહોચવાનું માર્ગદર્શન કરી રહેલ છે.

નિસંશય, તે છે આ મહાનતમ સૌદર્ય જેની આગાહી ઈશ્વરના સંદેશવાહકોના ગ્રંઘોમાં કરાઈ એના દ્વારા સત્ય અસત્યથી અલગ તરી આવશે અને પ્રત્યેક આદેશની પાછળ રહેલા શાણપણની કસોટી થશે. નિઃસંદેહ, એ જ છે દિવ્ય જીવનવૃક્ષ, જે મહાન સમર્થ, ઉદાત્ત ઈશ્વરે આપેલાં ફળો ઘારણ કરે છે.

હે અહમદ ! એ વાતનો સાક્ષી બન કે એ જ ઈશ્વર છે અને એના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. એ જ સમ્રાટ,રક્ષક, અતુલનિય અને સર્વવ્યાપી છે, અને તેણે જે ‘અલી’ *(બાબ)ના નામે મોકલ્યા હતા તે ખરેખર ઈશ્વર તરફથી જ આવ્યા હતા અને એના જ આદેશોનું આપણે સૌ પાલન કરીએ છીએ. કહી દોઃ હે લોકો, પ્રતિભાવાન, જ્ઞાનમૂર્તિ પરમાત્માના જે આદેશો બયાનમાં અંકિત છે તેનું પાલન કરો. નિઃસંશય એ જ છે ઈશ્વરીય દૂતોમાં સમ્રાટ અને એનો ગ્રંથ જ બઘા ગ્રંથોનો માતૃગ્રંથ છે. ખરેખર, તું આ સમજી શકે !

આ કારાગૃહમાંથી દિવ્ય બુલબુલ તને આવું આહ્વાન આપે છે. તેણે તો આ સ્પષ્ટ સંદેશ સંભળાવવાનો છે જેની ઈચ્છા એની સલાહ ન માનવી હોય તેને તેનાથી અલગ થવા દો અને જેવી ઈચ્છા હોય તે પોતાના પરમેશ્વરનો માર્ગ ગ્રહણ કરે.

હે લાકો, તમે આ મંત્રોનો અસ્વીકાર કરતા હો તો તમે ઈશ્વરમાં આસ્થા રાખો છો તેનો બીજો કયો પુરાવો તમારી પાસે છે? એ રજુ કરો , હે મિથ્થયાચારીઓના સમુદાય.

ના, જેના હાથમાં મારો આત્મા સુરક્ષિત છે એ પરમાત્માના સોગંઘ આ લોકો કદાપિ આવું નહી કરી શકે, ભલે ને તેઓ એકબીજાને મદદ કરવા એકઠા મળે.

હે અહમદ! મારી ગેરહાજરીમાં મારી કૃપાના પ્રતાપને વિસારે ન પાડી દેતો અને આ દુર્ગમ કારાવાસ, મારા દેશવટાને તથા મારી વિપતિ્ઓને યાદ કરતો રહજે. અને મારા પ્રત્યેના પ્રેમમાં એવો તો અવિચળ બનજે કે ભલે ને, તારા ઉપર દુશ્મનોની તલવારો ઝીંકાતી રહે અને આભજમીનનું સઘળું તારા વિરોઘ માટે તત્પર થાય તો પણ તારું હૃદય વિચલિત ન થાય.

મારા શત્રુઓ માટે તું અગ્નિજવાળા બની રહે, અને મારા પ્રેમીઓ માટે અનંત જીવનસરિતા વની રહે, તથા કદીયે સંશયાત્મા ન બનજે. અને મારા માર્ગમાં તારી સામે વિપતિઓ આવે, મારા ખાતર તારું માનભંગ થાયતો પણ તું એનાથી વ્યથિત ન થતો.

ઈશ્વર ઉપર, તાર ઈશ્વર ઉપર અને તારા પૂર્વજોના સ્વામી ઉપર વિશ્વાસ રાખ કારણ કે, લોકો ભ્રમના માર્ગે ભટકી ગયા છે, તથા ઈશ્વરને પોતાની આંખે જોવાની એના મઘુર સૂર પોતાના કાને સાંભળવાની એમની વિવેક શકિતનો લોપ થયો છે. તું પણ સાક્ષી છે કે અમે એ લોકોને આવી અવદશામાં જોયા છે.

એમના અંઘવિશ્વાસો એમના પોતાના તથા એમનાં અંતઃકરણો વચ્ચેના પડળ જેવા બની રહ્યા છે અને તેથી તેઓ ઉદાત્ત અને મહાન ઈશ્વરના માર્ગથી દૂર રહ્યા છે.

તું અંતઃકરણથી નિશ્ચયપૂર્વક એમ માનજે કે નિસંશય જે આ પરમ સૌદર્યથી વિમુખ થાય છે તે ભૂતકાળના સંદેશાવાહકોથી પણ વિમુખ થાય છે અને અનંતકાળથી અનંતકાળ સુંઘી ઘમંડ દાખવે છે. હે અહમદ, આ પત્રીનો તું ઘ્યાનપૂર્વક અભ્યાસ કર. જીવનભર એનો મઘુર સ્વરથી પાઠ કર અને એનાથી વિમુખ ન થા, કારણ કે, નિઃસંદેહ, પરમાત્માએ આ પત્રીનો પાઠ કરનારને અકસો શહીદોનું કર્મફળ તથા ઈહલોક અને પરલોક બન્નેમાં સેવા કરવાનું પારિતોષિત નિર્ઘારિત કરેલ છે. આ બઘી પ્રેમ ભરી કૃપાઓ અમે અમારા પોતાના તરફથી એક ઉદારતા તથા દયારૂપે તને પ્રદાન કરી છે જેથી તું અમને કૃતજ્ઞ રહે.

ઈશ્વરના સોગંદ! જે કોઈ વિપત્તિ અને શોકમાં હોય તે જો સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક આ પત્રીનો પાઠ કરશે તો ઈશ્વર એનું દુઃખ દૂર કરશે, એની મુશ્કેલીઓનું નિરાકરણ કરશે, એની વિપત્તિઓ દૂર કરશે.

નિઃસંશય, એ પરમદયાળુ, કરૂણાસિંઘુ છે. સર્વ લોકના સ્વામી ઈશ્વરનો સદા જયજયકાર હો.

#11076
- Bahá'u'lláh