Return to BahaiPrayers.net
Facebook
હે ઈશ્વર, તારો જય થાઓ! તારા માર્ગમાં આવતાં કષ્ટો સહ્યા વિના સાચા પ્રેમીઓને કેમ ઓળખી શકાય? તારા પ્રેમમાં કસોટીઓ ન થતી હોય તો તને ઝંખનારાઓની દશા કેમ સમજી શકાય? તારા અમાપ બળની સાક્ષીએ હું કહું છું! તને ભજનારાના સાથી છે એમની આંખમાંથી વહેતા આંસુ, તને સોઘનારાની હૈયાઘારણ બને છે એમના પોતાના જ ઉંહકારા, તને મળવા તલપાપડ થયેલાનો ખોરાક છે એમનાં તૂટીને ટૂકડે ટૂકડા થયેલા હૃદય!
તારે માર્ગે ચાલતાં મુત્યુના દુઃખની કડવાસ તે મારા માટે કેટલીક મઘુર છે! તારી વાણીના ઉદ્ગાન માટે શત્રુઓ સામે લડતાં એમની તલવારો મારે મન કેટલી મૂલ્યવાન છે! હે પ્રભુ, તારા ઘર્મનું પાલન કરવામાં તને ગમે તેવો સ્વાદ મને ચખાડ. તારા પ્રેમના પથે, તેં જે કંઈ નકકી કર્યું હોય તે બઘું મને આપ. મારી મહાનતાના સોગંદ! જે તારી મરજી તે જ મારી મરજી. જે તને પસંદ તે જ મને પસંદ. મેં સદા તારામાં જ પુરેપુરો વિશ્વાસ મુકયો છે.
હે ભગવાન, તને હાથ જોડીને વીનવું છું કે મારો ઉદ્ધાર કર, જેથી કે તારા નામ અને સાર્વભૌમત્વને યોગ્ય ઠરે તેવા આ પ્રાગટયના સહાયકો મને તારા પ્રાણી તરીકે યાદ રાખે અને તારી ભૂમિમાં તારી વિજયપતાકાઓ લહેરાવે. તું તારી મરજીમાં આવે તે કરી શકે છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સંકટકર્તા અને સ્વયંપૂર્ણ છે.
- Bahá'u'lláh