Return to BahaiPrayers.net
Facebook
હે મારા પ્રભુ, તાર નામનાં ગુણગાન થાઓ ! હું વિશ્વાસપૂર્વક કહું છું કે તાર સિવાય બીજો કોપણ વિચાર ગમે એટલો ચમત્કૃતિપૂર્ણ હોય, એ તારી જ્ઞાનગંગાને કાંઠે ન પહોચી શકે. તારા ગુણગાન ગમે એટલા પારગામી હોય એ તારા શાણપણના વાતાવરણ સુઘી ઊંચે ન જઈ શકે. તું અનાદિકાળથી તારા સેવકોની પહોંચ અને સમજશકિતની બહાર રહ્યો છે, અને તારૂં રહસ્ય વ્યકત કરવા મથતા તારા સેવકોના પ્રયત્નોથી તું અમાપ અંતરે ઉંચે ઉભો છે. જે કદી સર્જાયો નથી તેની સમક્ષ આવે ત્યારે માનવી પોતાનામાં કયા પ્રકારનું સામર્થ્ય હોવાનો દાવો કરી શકે ?
તારા અદ્વૈતત્વને પૂજનારા અને તને પિછાણનારા એ સૌ કોઈના ગહનતમ ચિંતન પણ તારા આદેશથી અને તારી કલમ ચાલવાથી જે નીપજયું છે તે ફકત તારી જ ઈચ્છામાંથી જન્મ્યું છે. હે મારા આત્માના પ્રિયતમ અને મારા જીવનસ્ત્રોત, હું તારી ભવ્યતાના સોગંદ ખાઈને કહું છું! તારી મહાન ભવ્યતાના અને રાજસિક પ્રતિભાની ચરમસીમાની સ્તુતિ, હું ફકત મારી નબળાઈના કારણે, મારા ગજા પ્રમાણે કરૂં છું તે હું સારી રીતે જાણું છું; સમગ્ર સર્જિત પદાર્થોથી ઉત્તમ તારી દયા અને સમગ્ર સૃજનમાં વ્યાપ્ત તારી કરુણાને નામે તને પ્રાર્થના કરૂં છું કે તારા દાસો તારા માર્ગે જેટલું ચાલી શકવા સમર્થ છે તેટલાનો સ્વીકાર કર. એ લોકો તારી વાણી ઉચ્ચારી શકે અને તારી કિર્તિનાં ગુણગાન કરી શકે તેમાં તારી અસીમ કૃપાથી સહાય કર.
તું જે ઘારે તે કરી શકે છે. તું ખરેખર સર્વથા ભવ્ય, સર્વપ્રજ્ઞ છે.
- Bahá'u'lláh