Return to BahaiPrayers.net
Facebook
હે કૃપાનાથ, આ સભામાં એકત્ર થયેલા આ સૌ તારા જ સેવકો છે. તેઓ તારા સામ્રરાજય ભણી વળ્યા છે. એમને તારા વરદાન અને આશીર્વાદની આવશ્યકતા છે. હે પ્રભુ! તું પ્રગટ થા અને તારા એકત્વના સંકેતો સ્પષ્ટ કર. તારું એકત્વ તો જીવનની બઘી જ યથાર્થતાઓમાંથી પ્રગટ થાય છે. આ માનવીય વાસ્તવિકતાઓમાં તેં છુપાવેલા, છાવરેલા ગુણોને પ્રગટ અને વ્યકત કર.
અમે છોડ જેવા છીએ અને તારી કૃપા વરસાદ જેવી છે. આ છોડો ફૂલેફાલે અને તાજા થાય તેવું વરદાન આપ. અમે તારા સેવક છીએ; અમને ભૌતિક અસ્તિત્વનાં બંઘનોમાંથી છોડાવ. અમે અજ્ઞાની છીએ; અમને જ્ઞાની બનાવ. અમે મરણ પામ્યા છીએ; અમને નવજીવન આપ. અમે પદાર્થ છીએ; અમારામાં ચેતનનો સંચાર કર. અમે અનભિજ્ઞ છીએ; અમને તારા રહસ્યોના નિકટના જાણકાર બનાવ. અમે યાચક છીએ; તારા અબાઘ ખજાનામાંથી અમને સમુદ્વ બનાવ. હે ઈશ્વર, અમને નવું જીવન આપ, દ્રષ્ટિ આપ, શ્રવણશકિત આપ. જીવનનાં રહસ્યોનો અમને પરિચય કરાવ કે જેથી તારા સામ્રાજયનાં રહસ્યો અસ્તિત્વના આ સંસારમાં અમારી સમક્ષ પ્રગટ થાય. અમે કબુલ કરીએ છીએ કે તું એક અને અદ્વિતીય છે. પ્રત્યેક અનુગ્રહ તારા તરફથી જ આવે છે. દરેક કૃપાનું સ્ત્રોત તું જ છે. તું શકિતશાળી છે ! તું સમર્થ છે ! તું દાતા છે ! તું સદાસર્વદા સંપન્ન છે!
- `Abdu'l-Bahá