Return to BahaiPrayers.net
Facebook
હે સર્વોન્નત પરમાત્મા !
હે સ્વામી, હે સર્વશકિતમાન પ્રભુ! તું મહિમાવાન અને ઉદત છે. તારા શાણપણ આગળ શાણાનું શાણપણ ઓછું પડે છે અને નિષ્ફળ નિવડે છે. તારા જ્ઞાન આગળ જ્ઞાનીઓ પણ પોતાનું અજ્ઞાન કબૂલે છે. તારા બળ આગળ બળવાન પણ નિર્બળ છે. તારી સંપતિ પાસે શ્રીમંત પણ પોતાને દરિદ્ર માને છે. તારા પ્રકાશ પાસે પ્રબુદ્ધ વ્યકિત પણ અંઘકારમાં ખોવાઈ જાય છે. તારા જ્ઞાનમંદિરમાં બઘી જ સમજણનો સાર સમાયો છે. તું જયાં ઉપસ્થિતિ છે તે ઘામની આસપાસ સમગ્ર માનવજાત પ્રદક્ષિણા કરે છે.
હું તારા સારતત્ત્વનો મહિમાં કેવી રીતે ગાઉં? શાણાઓનું શાણપણ અને જ્ઞાનીઓનું જ્ઞાન પણ એ સમજવામાં અસફળ થયા છે. સાચે જ, કોઈ પોતે જે સમજી ન શકે તે કેમ ગાઈ શકે? જયાં પોતે પહોંચી ન શકે તેનું વર્ણન ન કરી શકે. બીજી બાજું, તું તો અજરામર, અગમ્ય અને અગોચર જ રહ્યો છે. હું તારી ભવ્યતાના સ્વર્ગ સુઘી ભલે ને પહોંચી શકવા અસમર્થ હોઉં, તારા જ્ઞાનપ્રદેશમાં પ્રવેશ કરી શકું તેમ ન હોઉં છતાં પણ હું તારી એ રચનાઓનું વર્ણન કરી શકું છું જે તારી ભવ્ય કૃતિની કહાણી કહે છે.
તારી ભવ્યતાના સોગંદ! સૌનાં હૈયાંના હાર, તું જ એકલો એવો છે કે જે તારા માટેની ઝંખનાની વેદના શાંત કરી શકે! જે સંકેતો દ્વારા તું વ્યકત થાય છે તેમાંથી ઓછામાં ઓછા સંકેતોની મહત્તા દર્શાવવા માટે સ્વર્ગ અને પૃથ્વીના નિવાસીઓ સાથે મળીને પ્રયત્ન કરે તો પણ તેએા નિષ્ફળ જવાના છે તો તારા પવિત્ર શબ્દ અને તારા બઘા જ સંકેતોની પ્રશંસા કરવાનું કેટલું અઘરું હશે!
તારી મહત્તા અને ભવ્યતા સૌ ગાતા રહે! સમગ્ર પ્રાણીસૃષ્ટિ સાક્ષી છે કે તું એક જ છે અને તારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. તું અનાદિકાળથી અજોડ છે અને અનંતકાળ સુઘી રહશે. બઘાં જ સમ્રાટો તારા દાસ સમાન છે અને બઘા જ દ્રશ્ય તથા અદ્રશ્ય જીવો તારી આગળ શૂન્ય સમાન છે.
તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું પરમ કૃપાળુ મહાસમર્થ અને સર્વોન્નત છે.
- `Abdu'l-Bahá